published by : Rana kajal
વર્ષ 2023 ના પ્રારંભિક દિવસો નિરાશા જનક સાબિત થયા છે..આ વર્ષના પહેલા જ મહિનામાં જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે કારોબારી જગતમાં હલચલ મચાવી દીધી હતી. એક સમયે વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા ગૌતમ અદાણીની સંપત્તિ આ એક જ અહેવાલ બાદ એક જ ઝાટકે નીચે આવી ગઈ હતી. તે સાથે જ તાજેતરમાં તે વિશ્વના અમીરોની યાદીમાં 30મા સ્થાને પહોંચી ગયા હતા. વર્ષ 2023ના આ 100 દિવસ અદાણી માટેજ નહીં પણ ભારતના અન્ય ઉદ્યોગપતિઓ માટે પણ ખૂબ ભારે રહ્યા…
ગૌતમ અદાણી નેટવર્થના નુકસાનના મામલામાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં ટોપ પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર 2023ની શરૂઆતથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 64.4 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. વિશ્વના તમામ અબજોપતિઓની યાદીમાં આ સૌથી વધુ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અંબાણી પણ સંપત્તિ ઘટવાના મામલે પાછળ નથી રહ્યા. 2023ના 100 દિવસમાં તેમની સંપત્તિમાં 6 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે તેની કુલ સંપત્તિ 81.1 બિલિયન ડોલર છે. જો કે, આ સ્થિતિ છતાં તે એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ છે.
આ ઉપરાંત વર્ષ ના આરંભના દિવસોમા ભારતના અન્ય અબજોપતિઓ માટે પણ ખરાબ સાબિત થયા છે. ડી-માર્ટના રાધાકૃષ્ણ દામાણીની સંપત્તિમાં 2.31 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. તેમની કુલ સંપત્તિ 17 બિલિયન ડોલર છે.વિપ્રોના અઝીમ પ્રેમજીની સંપત્તિમાં પણ આ 100 દિવસમાં 1.58 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેમની કુલ નેટવર્થ હવે 22.4 બિલિયન ડોલર છે. ભારતમાં તેમની સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓમાં ડિવિસ લેબના મુરલી દિવીનો સમાવેશ થાય છે. મુરલી દિવીની સંપત્તિમાં 754 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે તેની કુલ નેટવર્થ ઘટીને 522 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ સિવાય સુનીલ ભારતી મિત્તલ, ઉદય કોટક જેવા અન્ય ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં પણ આ સમયગાળા દરમિયાન ઘટાડો થયો છે.