Published By : Aarti Machhi
વામન કદના કારણે લગ્ન ન થયા અને ભાઈ-ભાભીના ઘરની જગ્યાએ મહિલા સુરતમાં વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બની…..
સુરતની એક વામન કદની એટલે કે ઠીંગણી મહિલાની સાથે કુદરતે તો પૂરતી ઊંચાઈ ન આપીને અન્યાય કર્યો જ એમ કહી શકાય પરંતુ સાથે સાથે પરિવારે પણ અન્યાય કર્યો હોય તેમ આ વામન મહિલા હાલ લગ્ન ન થયા હોવાથી ભાઈ-ભાભીની સાથે રહેવાની જગ્યાએ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બની છે. જૉકે સંસ્થા દ્વારા તેમની સારવાર કરાવવાની સાથે સાથે રહેવા-જમવાની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. નવાઈની બાબત તો એ છે કે આ વામન કદની મહિલાની ભાભીએ જણાવ્યુ હતુ કે અમે તો સાથે રાખવા માગીએ છીએ પરંતુ તેઓ સતત ઘર બહાર ભાગી જાય છે. અમારે શોધખોળ કરવી પડે છે. અમે લાવવા માગીએ છીએ પણ એ આવવા તૈયાર નથી અને અમારા પર ગમે તેવા આક્ષેપો કર્યા કરે છે.

વામન કદની આ મહિલા અંગે વિગતે જોતા મૂળ મહારાષ્ટ્રના ધરણગાંવના વતની સવિતા બાબુલાલ મુંડેનો જન્મ તેમના કહેવા પ્રમાણે આનંદ ચૌદશે થયો હતો. જૉકે તેમની ઉંમર કેટલી હશે તે પણ હવે તેમને યાદ નથી. પરંતુ અંદાજે 50 વર્ષ આસપાસ ઉંમર હોવાનું તેમના દેખાવ પરથી લાગી રહ્યું છે. ઊંચાઈ પણ 42 ઈંચ એટલે કે સાડા ત્રણ ફૂટની છે. ઊંચાઈ ઓછી આપવાની સાથે કુદરતે તેના પર વધુ એક અન્યાય કર્યો હોય તેમ તેમને બાળપણમાં પીઠના ભાગે ખૂંધ નીકળી હતી. જેના કારણે તેમને આંચકીઓ પણ સતત આવે છે અને બીમાર વધુ રહે છે.કદના કારણે લગ્ન ન થયા સવિતાબેનના પિતા બાબુલાલ મુંડે મહારાષ્ટ્રથી સુરત આવી ગયા હતા. પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતું હતું. સવિતાની રમવાની ઉંમરે જ એટલે કે બાળપણમાંજ પિતા બાબુલાલનું અવસાન થયું હતુ. જેથી દાદીએ જ મોટા સવિતા અને તેના નાના ભાઈ કૈલાસને ઉછેરીને મોટા કરતા હતા. પરંતુ સવિતાબેનને નાની જ ઉંમરમાં લોકોના ઘરે ઘરે જઈને કામ કરવાની ફરજ પડી હતી. આટલું ઓછું હોય તેમ ખૂંધની બીમારી થઈ તેમ છતાં નાના ભાઈ અને પરિવાર માટે કામ કરવું પડતું હતુ. ઠીંગણાપણા અને કુરૂપ હોવાના કારણે લગ્ન ન થયા અને આજીવન વેઠ ઉતારવાની ફરજ પડી હતી. ઉધના હરીનગરમાં રહેતા સવિતાબેન મુંડેએ માતા-પિતા ગુજરી ગયા બાદ તેમના ભાઈ-ભાભીએ ધ્યાન ન આપતાં તેના ઠીંગણાપણાના કારણે લગ્ન થયા ન હતા. ભાઈ-ભાભી સાથે બનતું ન હોવાને કારણે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેને લઈને તેઓ ઉધનાના સોશિયલ સર્કલ પાસે આવેલા શૌચાલયની બહાર ભિક્ષુક જેવી જિંદગી ગાળી રહ્યા હતા. લોકો પાસેથી મળે એ જમવાનું જમીને તેઓ ત્યાં જ રહેતા હતા. જ્યાં નજીકની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ શહેરના ડીંડોલી વિસ્તારના મહાવીરનગર-1માં ચાલતા લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓલ્ડ એઈજ હોમમાં જાણ કરી હતી. તેમને સંસ્થાના કાર્યકરો વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા હતા. તેમના પરિવારે તેમને સ્વીકારવાની ના પાડતા વૃધ્ધાશ્રમમાં આશ્રિત બન્યા છે.

ઓલ્ડ એજ હોમ ચલાવતા લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના અનિલભાઈએ કહ્યું કે, દોઢ વર્ષ અગાઉ સોશિયલ સર્કલ પાસેથી અમે સવિતાબેનને લાવ્યા હતા. તેઓ અન્ય 105 પ્રભુજી સાથે હાલ અમારી સાથે જ રહી રહ્યા છે. અમે તેમની સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના ઠીંગણાકદ અને રૂપ સારું ન હોવાને કારણે તેમના ભાઈ-ભાભીએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. મિડલ ક્લાસ ફેમિલી હોવા છતાં પણ અમે જ્યારે તેમના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે પરિવારે તેમને સ્વીકારવાની ના પાડી હતી. તેમના ભાઈ-ભાભીએ આ બહેનને લેટ્રીન – બાથરૂમની સમસ્યા હોવાનુ કહ્યુ હતું . જો કે અમે તેની સારવાર પણ કરાવી છે અને પરિવારને ફરીથી જાણ કરી હતી. જો કે ત્યારે પણ તેમણે સ્વીકારવાની ના પાડી હતી. હાલ તેઓ અમારી સાથે જ રહે છે.

સવિતાબેને જણાવ્યુ હતુ કે, અહીં જ હવે રહેવું છે. મરવું તો ઘરે પણ છે અને અહીં પણ, તો અહીં જ જીવન વિતાવીને મરીશ. અહીં મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીં રહેવા-જમવાનું સારું મળે છે. હું અહીં આરામથી જીવન ગુજારું છું. મારે હવે કંઈ બાકી રહેતુ નથી. હું હવે અહીં જ રહીશ. અહીં થાય તેટલું કામ કરું છું. કચરા-પોતા કરવાની સાથે સાથે મારા જેવા અન્ય લોકોની પણ સેવા કરું છુ. અહીં અમે તહેવારો ઊજવીએ છીએ. રોજે રોજ ભજન-કીર્તન કરીએ છીએ એમ તેમણે જણાવ્યુ હતું.




