Published By : Parul Patel
- ગામની સીમમાં ગોઠવેલ પાંજરામાં કદાવર દીપડી પુરાઈ
- વન વિભાગના પાંજરામાં 2 વર્ષની દીપડી પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
વાલિયા તાલુકા પથ્થરિયા ગામની સીમમાં અઠવાડીયાથી દેખા દેતો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વાલિયા તાલુકામાં હાલ વન્ય પ્રાણી દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. દીપડાઓને શેરડી, કપાસ અને કેળના પાકમાં રહેવાનુ અનુકૂળ વાતાવરણ મળી રહેવાથી દીપડાઓ માટે વાલિયા તાલુકો આશ્રય સ્થાન બન્યો છે. ત્યારે તાલુકાનાં વિવિધ ગામોની સીમમાં દીપડાઓ નજરે પડી રહ્યા છે. છેલ્લા એક અઠવાડીયાથી પથ્થરિયા, સેવળ સહિતના ગામોમાં દીપડો નજરે પડતાં ખેડૂતો અને ગ્રામજનો ભયભીત બન્યા છે. જેને પગલે વાલિયા વન વિભાગની ટીમ દ્વારા પથ્થરિયા ગામની સીમમાં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરામાં ગત મધરાતે ત્રણ વાગ્યે મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ વાલિયા વન વિભાગના સુરેશ કુરમીને થતાં તેઓ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. અને તપાસ કરતાં પાંજરામાં 2 વર્ષની દિપડી હોવાનું બહાર આવ્યું હતું. જે દીપડાને સુરક્ષિત રીતે નર્સરી ખાતે લાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.