Blog:- નરેશ ઠક્કર, ભરૂચ
✍️ ભરુચની સર્વાંગી પ્રગતિ, સમૃદ્ધિ સાથે પોતાની વ્યવસાયિક- આર્થિક સમૃદ્ધિ શોધતા ‘ક્રેડાઈ ‘ સંગઠિત ભરૂચ બિલ્ડર્સ એસોસિયેશનનો આંતરિક અસંતોષ, વિવાદ ભરૂચ અને બિલ્ડર્સની સમૃદ્ધિને પણ અવરોધશે??
✍️ તદ્દન બિન રાજકીય એવા આ સંગઠનને સત્તાની સાઠ મારી વિના અને અભેદ એકતા-એકસંપ સાથે વિવેક પૂર્ણ રીતે, રાજકીય દાવપેચ થી દૂર રહી એક સાથે જ ચાલવું રહ્યું…
નર્મદા નદીના પવિત્ર કિનારે વસેલા ભ્રુગુ કચ્છને, ભરૂચને ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ’ માટે દાયકાઓ સુધી મીઠુ કલંક બોલાતું રહ્યું. અનેક કપરી કસોટીઓ- પ્રાકૃતિક આપદાઓ જેવી કે ધરતીકંપ,પુર, મોટાં દુષ્કાળ અને માનવીય ક્ષતિઓ જેવી રાજકીય દીર્ઘદ્રષ્ટિ અને પ્રભાવી નેતૃત્વનો રાજ્ય કક્ષાએ અભાવ કહો કે નીરસતા, આંતરિક જૂથબંધી કહો કે સત્તાની વરવી ટાંટિયા ખેંચ, ભરૂચ જિલ્લાને અનિવાર્ય અને અતિ જરૂરી એવા વિકાસથી વંચિત રેહવું પડ્યું છે, જેમાં ભૌગોલિક રચના પણ આ શહેર- જિલ્લાને પાડોશી જિલ્લાઓ સુરત-વડોદરાની સમકક્ષ તો ઠીક, આસપાસ પણ ના પહોંચી શકે એવી અવિકસિત કે અર્ધ વિકસિત સ્થિતિમાં લાવી ને મૂક્યું હતું.
છેલ્લા ત્રણ ચાર દાયકા બાદ ભરૂચની વિકાસની ક્ષિતિજોએ ધીરે ધીરે હાથ પહોંળા કર્યા, અને રીતસર ટેકરી પર વસેલા ભરૂચને જુના દરવાજાઓની બહાર લાવી બે ભરૂચ બનાવ્યા.. જૂનું ભરૂચ અને નવું ભરૂચ.. નવું જે ટેકરીઓમાંથી ધરતીકંપ બાદ સોસાયટીઓમાં ત્રણે દિશાઓમાં બહુ ધીમી ગતિ એ વિક્સ્યુ.. છેલ્લા એક દોઢ દાયકામા ભરૂચના વિકાસે વેગ પકડ્યો. ભરૂચ માત્ર નગરપાલિકા હસ્તકનું ટાઉન રહ્યું ત્યાં સુધી અટકી ગયેલો વિકાસ નવી અર્બન ઓથોરિટી બન્યા પછી ટ્વીન સીટીનું આપણુ સ્વપ્ન થોડી વધુ ઝડપે આગળ વધ્યું..
ભરૂચને મહા મેહનતે ટ્વીન સીટી પ્રોજેક્ટ અંતર્ગત મોદી સાહેબના રાજ્યના મુખ્યમંત્રી પદ દરમ્યાન ભરૂચ -અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બની.”બૌડા” બનતા લાંબા સમયથી ‘ભરૂચ મહાનગર પાલિકા’ બનાવવાની ઝુંબેશ શિથીલ પડી, જેનું નુકસાન હજુ પણ ભરૂચ ભોગવી રહ્યું છે, ક્યાંસુધી ભોગવસે એ ભગવાન જાણે, પણ છેલ્લા 5-7 વર્ષથી ‘બૌડા’ દેડકા ગતિ એ આગળ વધ્યા બાદ હવે થોડી તેજ ગતિ પકડી રહ્યા ના “સારા દિવસો” ના સમાચાર પત્રકાર જગતમાં સાંપડ્યા. જોકે એની સાથે જ, એક જ પેજ પર મોંકાણ સમાન અને સારાં ના કહેવાય એવા એક બિલ્ડર્સ માટે નકારાત્મક અને થોડા આઘાત જનક કહેવાય એવા સમાચાર પણ હતાં.. જે ભરૂચના ક્રેડાઈ સંચાલિત બિલ્ડર્સ સંગઠનની આંતરિક ખેંચતાણ કહો,આંતરિક અસંતોષ કહો કે કથિત ગેરવહીવટની રાવ પણ પ્રજાએ જોઈ, જાણી, વાંચી… આમ એકજ દિવસે સારાં નરસા બેઉ સમાચારે ભરૂચની બે ઘડી વૈચારિક ગતિને બ્રેક મારી…
સારાં સમાચારમાં ટાઇટલ મળ્યું : ” ભરૂચમાં નવી 14 ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવાનો તખતો ખડાયો.. ” જેમાં નંદેલાવ, ચાવજ, ઉમરાજ, કાસદ અને અંકલેશ્વરના બાકરોલ માં ટીપી ની વાત થઈ, તો ઝાડેશ્વરની બાકી રહી ગયેલી એ ટીપી સ્કીમ 18 સી નો ઈરાદો પણ જાહેરાત કરી દેવાયો…
સંદેશ અખબારમા આવેલા આ હરખ ના સમાચારોની નીચે જ એક ઝટકો અને નિરાશા ઉપજાવતા ન્યૂઝ પણ હતાં જે આ સારાં સમાચારો જેમને વધુ કરોડો રૂપિયા કમાવી આપવાના છે, એ બિલ્ડર લોબી, ક્રેડાઈ દ્વારા ચાલતા સંગઠનના પ્રમુખ અને ચેરમેન વચ્ચેના ગજગ્રાહ કહો કે મતભેદ -વિવાદ, પરસ પરની અસ્વીકૃતિના કારણે કહો કે સ્વભાવ દોષ અને પ્રકૃતિ દોષને કારણે પણ જે પણ વિવાદો સર્જાયા એ એક સંગઠન અને તે પણ રચનાત્મક અને શહેરના વિકાસની સાથે જેઓ જે વ્યવસાય સાથે સંકળાયાં છે એમાં ખાસ એક સાથે ઘણી રીતે નકારાત્મક સ્થિતિનું સર્જન કરનારી અને શહેરના ઝડપી વિકાસને અવરોધનારી ઘટના છે એ પાક્કું…એક તરફ માંડ માંડ મોટાં ફંડફાળા પછી સહયોગ આપતું રાજકારણ અને વહીવટી તંત્ર હોય, ત્યારે એક વ્યવસાયિક સંગઠનમાં આવો વિવાદ જન્મવો એજ સંસ્થા માટે બિનતદુરસ્ત અને ચોકાવનારું કહેવાય… અને એમાં પણ જો કોઈ જૂથવાદ કે ‘સત્તાની ખેંચતાણ’ હોય તો તો સહુથી વધુ ખોટું ને ખરાબ ગણાય..રાજકારણીઓ જોરશોર થી બોલે છે કે સંગઠન એજ શક્તિ.. સર્વોપ્પરી તો આવા બિનરાજકીય સંગઠને તો આ નિર્દોષ નિયમ સુપેરે પાળવો જ જોઈએ.. સુખ દુઃખમાં, વિપરીત પડકારોમાં સાથે રેહનારાઓ માટે બિનતંદુરસ્ત આંતરિક સ્પર્ધા, લઢાઈ, હુન્સાતુસી કોઈના પણ માટે માત્ર લાંબે ગાળે આત્મઘાતક જ હોય છે, એ આટલા મોટાં, સિનિયર અને વ્યવસાયિક અભિગમને વળેલા, શૂન્યમાંથી સર્જન કરનારા બિલ્ડર્સને સમજાવવું અઘરું પડે છે…’સંસ્થા’ તો અમે પણ પાંચ ભાગીદારોની 27 વર્ષથી ચેનલ નર્મદા ચલાવીયે છીએ, એ પણ વ્યવસાયિક રીતે.. અનેક મતભેદો અને વિકટ સ્થિતિ માં.. પણ અખન્ડ રહ્યા છે અસંખ્ય પડકારો વચ્ચે.
ભરૂચ બિલ્ડર્સ એસોસિશન ના આખા સંગઠનમાં 70-80% સભ્યો મારાં પરિચિત છે… જેમાં દશ પંદર તો અંગત મિત્રવૃંદ જેવા છે, મારાં કે મીડિયા માટે કોઈ પારકું કે પરાયું નથી.પ્રમુખ રોહિત ચદ્દરવાળા તો મારાં પાંચબત્તીની ઓફિસના પાડોશી હતાં, આજે પણ અંગત મિત્ર છે, એમની પ્રતિકૂળ પરિસ્થિતિ માં અને કિન્નખોરી કે અન્યાકરતાં સ્થિતિ મોટાં ભાગના બિલ્ડર્સ સાથે હતાં.. તો ચેરમેન પંકજ હરીયાણી પણ મારાં અંગત મિત્ર છે, કિરણ મજમુદાર તો બાળ શખામાં આવે છે, પિયુષ શાહ પણ મિત્ર છે.રોહિત ભાઈનું રાજીનામુ આપવું જેટલું ઉતાવળીયુ પગલું અને આઘાત જનક મને વ્યક્તિગત મિત્ર તરીકે લાગ્યું, એટલું કદાચ ચેરમેનનું બીજા સભ્યો સાથેનું જે વર્તન કરાયાનું જે પણ કહેવાયું છે, તે પણ આઘાત જનક લાગ્યું અને સ્વીકારી ના શકાય એવુ સ્વયંને દર્દ આપનારું લાગ્યું..સંસ્થા માટે ‘સંગઠન એકતા જ સર્વોપ્પરી’ હોવી જોઈએ,અને એમના આંતરિક વિવાદો ક્યારેય આવી રીતે જાહેર સપાટી પર ના આવવા જોઈએ, એનું ધ્યાન આખી બિલ્ડર્સ લોબીએ રાખવું જોઈએ.નારાજીનામાં કે રાજીનામાં એ સોલ્યુશન હોતાં જ નથી.. સંસ્થાની બંધારણીય મર્યાદામાં રહીને બધાજ સોલ્યુશન નીકળતા જ હોય છે…ભૂતકાળમાં મેં મું. જે. ડી. પંચાલ થી માંડી પાનમ ગ્રુપના સુરેશ શાહ સાથે પત્રકારત્વ ખેડ્યું છે… જોયું છે…પણ આવા જાહેર વિવાદ નથી જોયાં..જોકે અત્યારે સ્વ.વ્યોમશ કાકા કે સ્વ. બકુલ પટેલ જેવી પ્રભાવી મધ્યષ્થી પણ ક્યાં બચ્યા છે?? પણ આંતરિક અસંતોષ આવા સંગઠનને વેર વિખેર કરી શકે છે, એ ક્યાં કોઈને સમજાવવું પડશે?? એક વણ માંગી પણ કિંમતી સલાહ મારાં આ સંગઠનના તમામ મિત્રોને આ બ્લોગમાં જાહેરમાં, કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થ, રાગ દ્વેષ વિના સર્વના હિતમાં, સંગઠનના હિતમાં આપું છું, ‘ક્રેડાઈ’ જેવી રાજ્યની સન્માનનીય અને શક્તિશાળી સંસ્થાની સત્તા અને સંગઠનનો માત્રને માત્ર સમાજ, શહેરના સુવિકાસ અને સ્વયંના વ્યવસાયની ઈજ્જત અને આર્થિક સદ્ધરતા માટે કરવો, સરકાર સામે લઢી ન્યાય અને સુવિધાઓ મેળવવા કરાવો એજ જનહિતાય બનશે.. ગણાશે… બિલ્ડર્સની ઘણી સામાજિક જવાબદારીઓ પણ હોય છે. આપણે માં નર્મદાને પ્રાર્થના કરીએ કે આપના કિનારે વિકસેલા અને વિકસતા આ ધનકુબેરોને, ‘વિશ્વકર્માના’ આ વારસદારોને ઐકય અને પરસ્પરના સહયોગ થકી સર્વાંગી સામાજિક અને વૈકતિક વિકાસની બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન આપે.. એથી વિશેષ રાજકારણીયો જેવી આંતરિક રાજનીતિ કે સત્તા કારણથી-કરણથી કોસો દૂર રાખે. ‘લોબીઓ’ કે આંતરિક રાગ દ્વેષ અને માન – અપમાન વચ્ચે સ્થિતપ્રજ્ઞ રાખે…બાકી આંતરિક ઝગડા તો સમાજ અને ઘણાં વ્યક્તિ વિશેષો માટે મનોરંજન અને કમાણી ના સુલભ સાધનો હાથવગા જ હોય છે અને તમાશા ને તેડાં નથી હોતાં…સમાચારો માટે તો દેશ – દુનિયા તડપ્તી – તરસતી હોય છે.