Published by : Rana Kajal
ગાંધીનગર
- ખેડૂતોને ચૂંટણી ટાણે 630 કરોડનું પેકેજ…
- 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય આપવામાં આવશે…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે તેવામાં હવે ગુજરાત રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂત મતોનો પાક લણવાનો પ્રયાસ કર્યો છે.આ વર્ષે અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારના ખેડૂતોનો પાક નાશ થઇ ચૂક્યો તેને મહિનાઓ વીતી ચૂક્યા છે, ચોમાસાની ઋતુ પણ પૂર્ણ થઇ ચૂકી છે, સહાય માગ કરતા પણ ખેડૂતો થાક્યા હતા, ત્યારે છેલ્લે છેલ્લે ખેડૂતોને રીઝવવા માટે સરકારે સહાય પેકેજ જાહેર કરી દીધુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને આકર્ષવા માટે ખાસ જાહેરાત કરી દીધી છે. વર્ષ 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઇને આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યુ છે કે ચુંટણીમા મતોનું નુકસાન ન થાય તે માટે પણ આ પેકેજની જાહેરાત થઇ હોવાનું વિપક્ષ અને ખેડૂતો જણાવી રહ્યા છે.
આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયુ હતું. છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાના 2554 ગામમાં પાક નુકસાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફત રાજ્ય સરકારને મળ્યા હતા. મુખ્યમંત્રીએ રજૂઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ 630.34 કરોડ રૂપિયાના સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે 9.12 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં 8 લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.