- વિધાનસભા ચૂંટણીમાં અસંતોષ રોકવા ભાજપ સામૂહિક નેતૃત્વના આધારે લડશે
- સંગઠનમાં મુશ્કેલીઓ હોવાથી કોઈને CM ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નહીં કરાય
વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તૈયાર…
2023ની વિધાનસભા ચૂંટણી સામૂહિક નેતૃત્વના આધારે લડશે. એટલે કે કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નહીં કરાય. જોકે, હાલના મુખ્યમંત્રીઓને ચૂંટણી જીત્યા પછી ફરી મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે. આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે, જ્યારે બાદમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને ત્રિપુરામાં ચૂંટણી છે.
ભાજપે આ રાજ્યોમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ પૈકી ગુજરાત, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ભાજપ સત્તામાં છે. છેલ્લા દિવસોમાં ભાજપના સંસદીય બોર્ડના પુનર્ગઠન પછી ટોચના નેતાઓ એ અંગે સંમત થયા કે, સત્તાધારી રાજ્યોમાં નેતૃત્વને લઈને સત્તાવિરોધી માહોલ સર્જાયો છે. એટલું જ નહીં, સંગઠનમાં પણ અનેક સ્તરે ફરિયાદો છે. સંગઠન સ્તરે સંકલનનો પણ અભાવ છે. એટલે હાલના મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં ચૂંટણી લડવાના વિકલ્પથી બચવું જોઈએ.

ચૂંટણીની માટે મતદારોને સંદેશ આપવો…
આ અંગે એક વરિષ્ઠ ભાજપ નેતા કહે છે કે, ભાજપના મુખ્યમંત્રીઓ પણ એ વાતે સંમત છે કે, વિધાનસભા ચૂંટણીમાં ફક્ત પીએમ મોદીનો જ ચહેરો હોવો જોઈએ. આ ઉપરાંત કેન્દ્રની યોજનાઓને સત્તાધારી રાજ્ય સરકારો તરફથી યોગ્ય ડિલિવરીનું નેરેટિવ પણ સેટ કરવું જોઈએ.
રાજ્યોના મતદારોને એ સંદેશ આપવો જોઈએ કે, મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર યોગ્ય વિકલ્પ છે. પક્ષના એક મહા સચિવે કહ્યું કે, સામૂહિક નેતૃત્વનો અર્થ એ નથી કે, સત્તામાં આવી ગયા પછી મુખ્યમંત્રી બદલી નાંખવામાં આવશે. હોઈ શકે કે, હાલના મુખ્યમંત્રીને ફરી એકવાર તક અપાય. ગોવા કે ઉત્તરાખંડમાં ભાજપ આવું કરી જ ચૂક્યો છે.

ભાજપ વિપક્ષમાં છે ત્યાં પણ મોદી જ ચહેરો…
દેશનાં જે રાજ્યોમાં ભાજપ વિપક્ષમાં છે, ત્યાં પણ પક્ષ વડાપ્રધાન મોદીના ચહેરા સાથે જ સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે. સૂત્રોનું કહેવું છે કે, પક્ષના આંતરિક સરવેમાં કોઈ હાલનો મુખ્યમંત્રી એવો નથી, જેની લોકપ્રિયતા 25%થી વધુ હોય, જ્યારે મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ હજુ પણ 75થી વધુ છે. એટલે હાલ ભાજપ કોઈ પણ મુખ્યમંત્રીનો ચહેરો પ્રોજેક્ટ કરીને સંગઠનમાં અસંતોષનું વાતાવરણ બનાવવા નથી માંગતો કે નથી આપત્તિજનક સ્થિતિ સર્જવા માંગતો.