ન્યુયોર્ક
ગુપ્તચર અધિકારીઓએ સ્ફોટક માહીતી આપતા જણાવ્યુ કે ચીન એટલે કે ડ્રેગન સ્પેસ પર વર્ચસ્વ જમાવવાની તૈયારી પુરજોશમાં કરી રહ્યું છે. હાલમાં યુક્રેન પર રશિયાની આક્રમકતાથી સમગ્ર વિશ્વ ચિંતાતુર છે. દરમિયાન બ્રિટનની ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે હાલના સમયમાં રશિયા નહીં ચીન સૌથી મોટો ખતરો છે. ડિજિટલ કરન્સી જેવી નવી ટેકનોલોજીમાં ચીનનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. તેનો ઉપયોગ ચીન પોતાની વસ્તી, પડોશી દેશો અને લેણદારો પર નિયંત્રણ માટે કરી રહ્યું છે.આ ગંભીર વિષય અંગે બ્રિટિશ ગુપ્તચર એજન્સી જીસીએચક્યુના વડા સર જેરમી ફ્લેમિંગે જણાવ્યું હતુ કે ચીન સ્પેસમાં પોતાની તાકાત વધારી રહ્યુ છે. સ્પેસ પર કબજો મેળવવા માટે તે સ્ટાર્સ વોર્સની ફિલ્મની જેમ હથિયારો વિકસાવી રહ્યું છે. તેના બાયડુ સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કોઈને પણ ને ક્યાંય પણ ટ્રેક કરવા માટે કરી શકાય છે. ફ્લેમિંગે ચેતવણી આપી હતી કે રશિયા અને ચીન બંને પાસે એન્ટિ સેટેલાઇટ હથિયાર છે. આ સેટેલાઇટ મિસાઇલ જેવા છે પણ ચીન હવે લેસર સિસ્ટમ પર પણ કામ કરી રહ્યું છે. તેના દ્વારા કમ્યુનિકેશન, સર્વેલન્સ અને જીપીએસ સેટેલાઇટને ધ્વસ્ત કરી શકાય છે. જો સેટેલાઇટ તોડી પાડવામાં આવે તો મિસાઇલ ટાર્ગેટની જાણ થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે ચીનની ગ્લોબલ ટેકનોલોજી પર વર્ચસ્વ જમાવવાની નીતિ પર બ્રિટને અંકુશ મૂકવાની જરૂર છે ફ્લેમિંગે એમ પણ જણાવ્યુ કે ચીનના નેતૃત્વનુ માનવું છે કે તેમની તાકાત અને અધિકાર એક પાર્ટી સિસ્ટમમાંથી આવે છે. તેનો અર્થ એ છે કે તેઓ પોતાના નાગરિકોની ક્ષમતાનું સમર્થન કરવાના બદલે તેમના પર નિયંત્રણ મૂકવાની તકો શોધતા રહે છે. વધુમાં ફ્લેમિંગે કહ્યું કે ચીન લોકશાહી અને ફ્રી સ્પીચથી ડરે છે. જ્યારે ચીનના લોકો પોતાના અર્થતંત્રને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા હતા ત્યારે પાર્ટી પોતાના સ્ત્રોતનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના નિયમોને આકરા બનાવી રહી હતી.