દેશમાં દર વર્ષે 1.5 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ભારતમાં તમામ પ્રકારની આફતોને કારણે એક વર્ષમાં જેટલા મૃત્યુ થાય છે તેના કરતાં અનેકગણા વધુ મૃત્યુ રસ્તા પર થાય છે. વર્ષ 2018 માં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘દેશમાં રસ્તાઓ પરના ખાડાઓને કારણે અથવા આતંકવાદી હુમલામાં એટલા લોકો મૃત્યુ પામતા નથી. સેવ લાઇફ ફાઉન્ડેશનના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં છેલ્લા એક દાયકામાં માર્ગ અકસ્માતમાં 1.4 મિલિયનથી વધુ લોકોના મોત થયા છે. 60 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ 70 ટકા માર્ગ અકસ્માતોમાં યુવાનોના મોત થાય છે.
અહેવાલ અનુસાર, માર્ગ અકસ્માતોને કારણે દેશના જીડીપીને લગભગ ત્રણથી ચાર ટકાનું નુકસાન થાય છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દાયકાથી માર્ગ અકસ્માતમાં ભારત દેશ વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે વર્ષ 1990માં તે નવમા સ્થાને હતો.