Published By : Parul Patel
- સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં લખાઈ રહી છે સફળ સંવર્ધનની અનોખી કહાણી
- એશિયાટિક LION સાથે જંગલ સફારીને આફ્રિકન સફેદ સિંહે પણ પોતાનું ઘર બનાવી દીધું
- બે વર્ષમાં રેવા, ઇન્દ્ર, વાણી, તારા અને દેવી પાંચ બાળ સિંહોનો જન્મ
![](https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-10-at-4.23.49-PM-1-1024x682.jpeg)
ભારત અને ગુજરાત સરકાર, દેશની આન, બાન અને શાન સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદૃઢ અને પ્રમાણિક પ્રયત્નો થઈ રહ્યાં છે.
આ પ્રયત્નોનું એક જવલંત ઉદાહરણ છે, ગુજરાતના એકતા નગર SOU નું સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક, જયાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાણી. આજે વિશ્વ સિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે. જંગલ સફારી આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્તપ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે, જે આ અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પુરું પાડે છે. છેલ્લાં બે વર્ષોમાં, આ ઉદ્યાનમાં માતા “શ્રધ્ધા”ના પાંચ સાવજોના જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે. વર્ષ 2022 માં “રેવા” ના આગમન અને તે પછી 2023 માં “ઇન્દ્ર”, “વાણી”, “તારા” અને “દેવી” ના આગમનથી માત્ર વસ્તીમાં વધારો નથી થયો, પરંતુ આ બાળસિંહોની નિર્દોષ મસ્તીને નિહાળી મુલાકાતીઓ અને કર્મચારીઓના ચહેરા પર પણ સ્મિત રેલાયું છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-10-at-4.23.50-PM-3-1024x682.jpeg)
આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં, બલ્કે આફ્રીકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યાં છે. ગત જાન્યુઆરીમાં જ 2 આફ્રીકન સફેદ સિંહ પણ સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે, આ બંને સિંહ યુગલે પણ અહિંયાના વાતવરણને પોતિકુ બનાવી લીધુ છે.સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કની સિદ્ધિઓ અહિંયાના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે-સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે. સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તિએ જણાવ્યુ હતુ કે, પાર્કને પોતાનું રહેંણાક બનાવનાર તમામ પ્રાણી-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના 100% પ્રયાસો કરી રહી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-10-at-4.23.50-PM-2-1024x682.jpeg)