Published by : Vanshika Gor
ભુજ નગરપાલિકા ઉપર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL ના વીજ બિલ પેટે 48 કરોડ રૂપિયા જેટલી ભારેખમ રકમ લેણા પેટે બાકી છે. જે ભરાતી નથી અને દર મહિને 60 થી 70 લાખ રૂપિયા જેટલું વીજ બિલ ઉમેરાતું જાય છે. જેની સામે માત્ર 13 લાખ રૂપિયા જેટલી રકમ ભરાઈ છે. જેથી બુધવારે 9 જેટલા વીજ જોડાણ કાપી નાખ્યા છે. જેના પગલે નગરપાલિકાનાં પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ દોડધામમાં મૂકાઈ ગયા છે.
નગરપાલિકાનું દર મહિને 60-70 લાખનું બીલ આવે છે
ભુજ નગરપાલિકા દ્વારા લોકોને ઘરોઘર પાણી પહોંચાડવા અને ગટરના પાણી છેક નાગોર રોડ સુધી ધકેલવા પમ્પિંગ સ્ટેશન ચલાવે છે, જેમાં હેવી વીજ જોડાણ જોઈએ. એ ઉપરાંત શહેરના માર્ગો ઉપર પ્રકાશ પાથરવા રોડ લાઈટો લગાડે છે. જેના માટે કુલ 137 ઉપરાંત વીજ જોડાણ લીધેલા છે. જેના કારણે દર મહિને 60થી 70 લાખ રૂપિયા જેટલો ભારેખમ વીજ બિલ આવે છે.
નગરપાલિકા પાસે બિલ ભરવા પણ પૈસા નથી!
આ વીજ બિલ ચડતા ચડતા 47 કરોડ 72 લાખ ઉપર પહોંચી ગયું છે. જેની સામે નગરપાલિકાની આવક નજીવી છે, જેથી વીજ બિલ ભરવામાં નગરપાલિકા ટૂંકી પડે છે. પરંતુ, વીજ કચેરીની પણ એક મર્યાદા છે, જેથી બુધવારે ગટર અને પાણી વિભાગના 9 જેટલા જોડાણ કાપી નાખ્યા છે.