Published by : Anu Shukla
- જમ્મુ-કાશ્મીરમાં રોપ-વેની તૈયારીઓ શરૂ
- રોપ-વેની સુવિધા બાદ વૈષ્ણોદેવી મંદિર સુધી સરળતાથી અને ઓછા ખર્ચે પહોંચવુ શક્ય બનશે
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જઈ રહેલા ભક્તો માટે સારા સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્રિકૂટા પર્વત પરના મંદિર સુધી પહોંચવામાં લાગતો સમય 5-6 કલાકથી ઘટીને 6 મિનિટ થઈ જશે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બુધવારના રોજ રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ લિમિટેડ દ્વારા 2.4 કિ.મી. લાંબા રોપ-વે માટે બિડ મંગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે માતા વૈષ્ણોદેવીનું મંદિર લગભગ 5,200 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ પ્રોજેક્ટની શરૂઆત કટરા બેઝ કેમ્પ નજીક તારાકોટથી થશે, જે સાંજીછત સુધી જશે. રોપ-વેમાં ગોંડોલા કેબલ કાર સિસ્ટમ હશે.
બે વર્ષ પહેલા ત્રિકુટાની પહાડીમાં માતા વૈષ્ણોદેવી મંદિરથી ભૈરવ મંદિર સુધી એક રોપ-વેની શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવા માટે એક જ રસ્તો છે જેમાં 12 કિલોમીટરનો ટ્રેક સામેલ છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ કટરાથી સાંજીછત સુધી હેલિકોપ્ટરની સુવિધા પણ મેળવી શકે છે. હવે રોપ-વેની સુવિધા બાદ મંદિર સુધી સરળતાથી અને ઓછા ખર્ચે પહોંચવુ શક્ય બનશે.