Published By : Disha Trivedi
મોટેભાગે વાળ સફેદ થવાનું મુખ્ય કારણ વધતી ઉંમર માનવામાં આવે છે. યુવાવસ્થા પૂરી થતાં દરેક વ્યક્તિના વાળ ધીમી ગતિએ સફેદ થતાં જાય છે.
પરંતુ, અત્યારના સમયમાં 16 કે તેથી પણ નાની ઉંમરનાં,હજુ માંડ યુવાવસ્થાને ઉંબરે પોહચેલાઓમાં પણ વાળ સફેદ થવાની ફરિયાદ ઉઠતી હોય છે. તો જાણીશું એ પાછળના કારણો વિશે.
વધતા પ્રદુષણ, સતત બદલાતા વાતાવરણ સહિતના અનેક પરીબળોને કારણે માણસના વાળ યુવા વયે સફેદ થઈ રહ્યાં છે. વધતી ઉંમર સાથે વાળ સફેદ થવા સામાન્ય છે. પરંતુ સમસ્યા ત્યારે થાય જ્યારે નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગે છે.
જેનેટિક્સ –
નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ જેનેટિક્સ હોઈ શકે છે. સફેદ વાળની આ સમસ્યાનો કોઈ કાયમી ઈલાજ નથી. કારણ કે, તે તમારા જીન્સ સાથે જોડાયેલો છે. જો તમારા માતા-પિતા અથવા પરિવારમાં કોઈને બાળપણમાં આ સમસ્યા થઈ હોય, તો તમને નાની ઉંમરમાં સફેદ વાળ જોવા મળી શકે છે.
ઓટોઇમ્યુન રોગો-
ઓટોઇમ્યુન રોગો પણ નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ હોઈ શકે છે. ઓટોઇમ્યુન રોગો કે જેનાથી વાળ સફેદ થાય છે તેના નામ એલોપેસીયા અથવા વિટિલિગો છે.
ધૂમ્રપાન-
ઘણા સંશોધનો જણાવે છે કે ધૂમ્રપાન પણ તમારા વાળના અકાળે સફેદ થવાનું કારણ બની શકે છે. કારણ કે, ધૂમ્રપાન નસો સંકુચિત કરે છે અને તેમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. જેના કારણે વાળના મૂળને પૂરતું પોષણ મળતું નથી અને તે સફેદ થવા લાગે છે.
તણાવ-
દરેક વ્યક્તિ જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આ તણાવ વધુ પડતો થઈ જાય છે, ત્યારે ઊંઘ ન આવવી, ચિંતા, ભૂખમાં ફેરફાર, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
વિટામિન B-12ની ઉણપ-
નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું કારણ વિટામિનની ઉણપ પણ હોઈ શકે છે. જ્યારે શરીરમાં વિટામીન B-12ની ઉણપ હોય ત્યારે સફેદ વાળ ઉગવા લાગે છે.