Published by : Anu Shukla
- હવેતો કાઠિયાવાડી કાવાના મસાલાની દેશ-વિદેશમાં પણ માગ…
- કાતીલ ઠંડીમાં ગરમાગરમ કાવાની ચુસકી મારો અને શરદી ભગાડો…
- તમે પણ ઘરે આ લહેજતદાર કાવો ઘરે તૈયાર કરી શકો છો….
- આ વર્ષે ઠડીના પ્રકોપના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
કાતીલ ઠંડીના પગલે શરદી, ખાસી અને તાવ જેવી બીમારીઓનો વાવર જણાઈ રહયો છે. ત્યારે આ બીમારીનો અકસીર ઇલાજ એવો કાઠિયાવાડી કાવો ઘરે પણ તૈયાર કરી શકાય છે.
રાજ્યમાં શિયાળો બરાબરનો જામ્યો છે. હાડ થીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાઇ રહ્યા છે. શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા હઠીલાં દર્દો માટે કાવો અક્સીર ઈલાજ ગણવામાં આવે છે. ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. કાઠિયાવાડી રજવાડી કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે. જેના મસાલાની માંગ અમેરિકા, લંડન, રશિયા અને કેનેડા જેવા દેશોમાં પણ છે.
આ કાવામાં 20 જેટલા આયુર્વેદીક મસાલા જેમાં બુંદદાણા, આદુરસ, સંચડ, સૂંઠ પાવડર, લીંબુ તેમજ વીસ જેટલા આયુર્વેદિક મસાલા વગેરેથી ઉકાળીને તેને મસાલા સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે. એક-એક ચૂસકી શરીરમાં સ્ફુર્તિનો અનુભવ કરાવે છે.
તમે પણ આ કાવો બનાવી શકો છો
સામગ્રી: બુંદદાણા (કોફી સીડ્સ) એક ચમચી
ફુદીનો 8થી 10 ડાળખી
આદુનો એક નાનો ટુકડો
એક ચપટી સંચળ પાવડર
સ્વાદ મુજબ મીઠું
મરીનો પાવડર એક બે ચમચી, 4 કપ પાણી, એક લીંબુ, એક ચમચી કોફીપાવડર.
કાવો બનાવવાની રીત સાવ સરળ છે…
સૌ પ્રથમ પાણી લો, તેમાં લીંબુ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો. આદુ ખાંડીને એને ઉકળવા દો. 3 કપ જેટલું બાકી રહે એટલે ગાળી લો, એમાં લીંબુ નીચોવી ગરમ ગરમ પીઓ, ઠંડી તો ઉડી જશે પણ શરદી, કફ, ખાંસીમાં પણ રાહત થશે..