Published by : Vanshika Gor
ગયાં વર્ષે ‘ભૂલભૂલૈયા ટૂ’ની સફળતા પછી સાતમા આસમાને વિહરવા માંડેલા કાર્તિક આર્યનની હાલત ચાર દિન કી ચાંદની જેવી થઈ છે. તેની ‘શહઝાદા’ બહુ ખરાબ રીતે નિષ્ફળ જતાં હવે તે કારકિર્દીમાં એ જ મુકામ પર આવી ગયો છે જ્યાં તે ‘ભૂલભૂલૈયા ટૂ’ પહેલાં હતો.
અંદાજે ૮૫ કરોડના ખર્ચે બનેલી શહજાદા ફિલ્મ માટે કાર્તિકે ફી પણ ન લેતાં ફિલ્મનો સહ-નિર્માતા બન્યો હતો. રિલીઝના પહેલા દિવસે ફિલ્મને છ કરોડના આંકડા પર પહોંચતા પણ ફાંફા પડી ગયા હતા. ફર્સ્ટ વીક એન્ડમાં તેનું કલેક્શન માંડ ૨૦ કરોડ થયું છે .
ફિલ્મનાં માર્કેટિંગ તથા પ્રમોશનમાં થયેલી ભૂલો પણ નબળાં કલેક્શન માટે જવાબદાર ગણાવાય છે. ઉલ્લેખનીય છે કે, કાર્તિકની સુપરફ્લોપ ફિલ્મ ‘લવ આજકલ’નું ઓપનિંગ પણ રૂપિયા ૧૨ કરોડમાં થયું હતું અને ફિલ્મના પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં ૨૬ કરોડનુ કલેકશન કર્યું હતું.આમ, ‘શહઝાદા’ તો તેનાથી પણ ફલોપ પુરવાર થઈ રહી છે. હવે ટ્રેડ સમીક્ષકો કહી રહ્યા છે કે ‘ભૂલભૂલૈયા ટૂ’નું શ્રેય કાર્તિકને ખોટી રીતે આપી દેવાયું હતું. વાસ્તવમાં પહેલો ભાગ સુપરહિટ હતો એટલે તેના વફાદાર દર્શકો બીજો ભાગ જોવા આપોઆપ ખેંચાઈ આવ્યા હતા.