Published by : Vanshika Gor
અભિનેતા શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં આવી ઘટના બની, જેણે બધાના હોશ ઉડાવી દીધા છે. બુધવારની રાત્રે બે યુવકો સિક્યોરિટીને માત આપીને ‘મન્નત’ની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. આ બંને યુવકોની હવે ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે ‘મન્નત’માં પ્રવેશ્યા બાદ આ બંને યુવકો બંગલાના ત્રીજા માળે પણ પહોંચી ગયા હતા. પરંતુ ત્યારે જ સિક્યોરિટી ગાર્ડની નજરે તે યુવકોને પકડી લીધા હતા. તેણે બંનેને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.
સુરતના રહેવાસી છે બંને યુવકો
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બંને યુવકો ‘મન્નત’માં પ્રવેશ્યા ત્યારે શાહરૂખ ખાન ઘરે હાજર નહોતો. આ બંને યુવકો ગુજરાતના સુરતના છે અને તેમની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસે બંનેની પૂછપરછ કરી તો તેઓએ જણાવ્યું કે તેઓ ગુજરાતના રહેવાસી છે અને શાહરૂખ ખાનના ચાહક છે. તે શાહરૂખને મળવા ગુજરાતથી આવ્યા હતા.
યુવકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
પોલીસે કહ્યું કે, આ મામલામાં પરવાનગી વગર પરિસરમાં પ્રવેશવા સાથે આઈપીસીની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ કરવામાં આવશે. બીજી તરફ, એક સૂત્રએ જણાવ્યું કે, બુધવારે રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે શાહરૂખ ખાન તે સમયે ‘જવાન’નું શૂટિંગ કરી રહ્યો હતો. ગુરુવારે વહેલી સવારે તે પાછો આવ્યો અને સૂઈ ગયો. જે બાદ ‘મન્નત’ના સુરક્ષા કર્મચારીઓએ અંદર છુપાયેલા બંને યુવકોને પકડી લીધા હતા.