Published by : Rana Kajal
શિયાળો એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. હેલ્ધી સલાડથી તબિયત ફૂલગુલાબી બની જાય છે
મગ મખાના સલાડ
સામગ્રી : ફણગાવેલા મગ – 1 કપ, સમારેલું ટામેટું – 1 કપ, સમારેલું બાફેલું બટાકું – 1 બારીક સમારેલી ડુંગળી – 1 કપ, રોસ્ટેડ મખાના – 1 કપ, બારીક સેવ – અડધો કપ, બાફેલા શિંગદાણા – અડધો કપ, લાલ મરચાં પાઉડર – સ્વાદ પ્રમાણે, મરી પાઉડર – સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો – અડધી ચમચી, લીંબુનો રસ – સ્વાદ પ્રમાણે
રીત : સૌ પ્રથમ ફણગાવેલા મગને સારી રીતે ધોઇ લો. આ પછી એક કડાઇમાં સાવ થોડું તેલ મૂકીને માત્ર હિંગનો વઘાર કરીને એમાં ફણગાવેલા મગ વઘારો અને પછી સ્વાદ પ્રમાણે હળદર, મરચું અને મીઠું નાખો. આ કડાઇને ત્રણથી ચાર મિનિટ ઢાંકી રાખો. આ ફણગાવેલા મગ કાચાંપાકાં ચડી જાય એટલે ગેસ બંધ કરીને એને એક બાઉલમાં કાઢી લો. ફણગાવેલા મગને થોડા વઘારી લેવાથી એના સેવનથી પેટમાં ગેસ નથી થતો. આ પછી એક બીજી કડાઇ રોસ્ટેડ મખાણાને થોડું મીઠું નાખીને એને સારી રીતે હલાવો. આ રીતે કરવાથી મખાણા સાવ મોળા નહીં લાગે. આ મખાણાને મગ સાથે મિક્સ કરો. આ પછી મગના બાઉલમાં સમારેલું બાફેલું બટાકું, સમારેલું ટામેટું, સમારેલી ડુંગળી અને બાફેલા શિંગદાણા નાખીને આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું , મરી પાઉડર, ચાટ મસાલો અને લીંબુ નાખીને સારી રીતે મિક્સ કરો અને એને બારીક સેવથી સજાવીને એનો સ્વાદ માણો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/download-13-3.jpg)
કોર્ન પીનટ સલાડ
સામગ્રી : મિક્સ કઠોળ – 1 કપ, બાફેલી અમેરિકન મકાઇ – બાઉલ, બાફેલા શિંગદાણા – 1 કપ, સમારેલું ટામેટું – 1 કપ, સમારેલી ડુંગળી – 1 કપ, મીઠું – સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો – સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ – સ્વાદ પ્રમાણે, મરી પાઉડર – અડધી ચમચી, સમારેલી કોથમીર – અડધો કપ
રીત : મિક્સ કઠોળને આઠથી નવ કલાક માટે પલાળી રાખો. આ કઠોળ સારી રીતે પલળી જાય એટલે એમાં થોડું મીઠું અને થોડો ઇનો નાખીને સારી રીતે બાફી લો. ઇનો નાખવાથી કઠોળ કડક નહીં રહે અને મીઠું નાખવાથી એનો ટેસ્ટ કઠોળમાં અંદર સુધી ઉતરી જશે. આ કઠોળ બફાઇ જાય એટલે એને અલગ બાઉલમાં કાઢી લો. આ બાઉલમાં બાફેલી અમેરિકન મકાઇ અને બાફેલા શિંગદાણા ઉમેરો. આમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, મરી પાઉડર અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. આ પછી એમાં ઉપર સમારેલી કોથમીર નાખીને ગાર્નિશ કરો. આ કોર્ન પીનટ સલાડ એકદમ સ્વાસ્થ્યપ્રદ છે અને ભોજન પહેલાં એનું સેવન કરવાથી ડાયટને કાબૂમાં રાખી શકાય છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/download-14-2.jpg)
જીંજરા સલાડ
સામગ્રી : સમારેલું બાફેલું બટાકું – 1 કપ, અમેરિકન મકાઇ – અડધો કપ, જીંજરા (તાજા લીલા ચણા) – અડધો કપ, દહીં – 1 કપ, ખાંડ – સ્વાદ પ્રમાણે, જીરા પાઉડર – અડધી ચમચી, ક્રશ કરેલું ગાજર – પા કપ, ક્રશ કરેલી કોબીજ – અડધો કપ, મરી પાઉડર – અડધી ચમચી, મીઠું – સ્વાદ પ્રમાણે, ફુદીનાનાં પાન – સજાવટ માટે
રીત : ઉકળતા પાણીમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરીને મકાઇ તેમજ જીંજરાને બાફી લો. આ બફાઇ જાય એટલે ચાળણીમાં નાખીને નિતારી લો અને પછી એક બાઉલમાં કાઢી લો. એક કઢાઇમાં થોડું તેલ મૂકીને એમાં ગાજર અને ક્રશ કરેલી કોબીજને મીઠું નાખીને થોડી ચડવા દો. ગાજર અને કોબીજ ચડી જાય એટલે એને મકાઇ અને જીંજરા સાથે મિક્સ કરી લો. એમાં સ્વાદ પ્રમાણે મરી પાઉડર અને મીઠું ઉમેરો. આ પછી તેના પર ગળ્યું દહીં નાખો. આ ગળ્યું દહીં બનાવવા માટે એક બાઉલાં 1 કપ દહીંમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને જીરું મિક્સ કરો. આ ગળ્યુું દહીને મિશ્રણ પર નાખતા એનો સ્વાદ ગળચટો થઇ જશે જે સલાડને અનોખો સ્વાદ આપશે. આ સલાડને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરો. આ સલાડ સ્વાદમાં તો સરસ છે જ પણ સાથે સાથે એનો સ્વાદ માણ્યા પછી પેટ પણ સારી રીતે ભરાઇ જાય છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/download-16-2.jpg)
લીલી હળદરનું સલાડ
સામગ્રી : લાંબી પાતળી સમારેલી લીલી હળદર – અડધો કપ, લાંબી પાતળી સમારેલી આંબા હળદર – અડધો કપ, જાડી ખમણેલી કાકડી – અડધો કપ, જાડું ખમણેલું બીટ – અડધો કપ, સમારેલાં લીલાં મરચાં – 1 ચમચી, મીઠું – સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ – 1 ચમચી
રીત : સૌથી પહેલાં લાંબી પાતળી સમારેલી લીલી હળદર, લાંબી પાતળી સમારેલી આંબા હળદર, જાડી ખમણેલી કાકડી અને જાડું ખમણેલું બીટ એક બાઉલમાં ભેગું કરો. આ મિશ્રણને સારી રીતે મિશ્ર કરો. એની પર સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિશ્ર કરો. આ મિશ્રણમાં સમારેલાં લીલાં મરચાં ઉમેરો. આ તીખું, ખારું અને ખાટું સલાડ ભોજનનો સ્વાદ વધારી દે છે. લીલી હળદર શિયાળામાં વધારે મળતી હોવાના કારણે એ શિયાળું સ્પેશિયલ સલાડ ગણાય છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/download-17-2.jpg)
શિંગોડાનું સલાડ
સામગ્રી : બાફેલા શિંગોડાના ટુકડા – ત્રણ કપ, કાકડી – અડધો કપ, ગ્રીન કેપ્સિકમ – અડધો કપ, ફુદીનાનાં પાન (સમારેલાં) – એક મોટી ચમચી, ચાટ મસાલો – અડધી ચમચી, સંચળ પાઉડર – અડધી ચમચી, લીંબુનો રસ – અડધી ચમચી, દાડમના દાણા – પા કપ, સમારેલી કોથમીર – અડધો કપ
રીત : બાફેલા શિંગોડાને ધોઈને સારી રીતે લૂછીને પછી છોલી લો. આ શિંગોડાના નાનકડા ટુકડા કરી લો. શિંગોડા સિવાયના શાકભાજીને સારી રીતે નાના ટુકડામાં સમારી લો. એક બાઉલમાં શિંગોડાના ટુકડા, સમારેલાં શાકભાજી, ચાટ મસાલો, સમારેલાં ફૂદીનાનાં પાન, સંચળ પાઉડર અને લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ ચટપટું શિંગોડાનું સલાડ શિયાળામાં જ બનાવી શકાય છે કારણ કે શિંગોડા આ સિઝનમાં જ વધારે મળે છે. જો તમારી ઇચ્છા હોય તો આ સલાડને દાડમના દાણા અને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી શકાય છે. રોજ શિંગોડા ખાવાથી શરીરને ઘણાં પોષકતત્ત્વો મળે છે અને ખાનાર સ્થૂળ પણ નથી થતાં. આમાં કેલરીનું પ્રમાણ બહુ જ ઓછું હોવાથી ખાનારનું વજન અંકુશમાં રહે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/download-18-3.jpg)
મિક્સ સલાડ
સામગ્રી : સમારેલી કોબીજ – 1 કપ, સમારેલાં ટામેટાં – 1 કપ, છીણેલું બીટ – 1 કપ, છીણેલું ગાજર – 1 કપ, સમારેલી કાકડી – 1 કપ, દાડમના દાણા – અડધો કપ, સમારેલી કોથમીર – અડધો કપ, લીંબુનો રસ – સ્વાદ પ્રમાણે, મીઠું – સ્વાદ પ્રમાણે, મરી પાઉડર – સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો – સ્વાદ પ્રમાણે, ખાંડ – અડધી ચમચી, જીરું પાઉડર – અડધી ચમચી
રીત : એક બાઉલમાં સમારેલી કોબીજ, ટામેટાં, બીટ અને ગાજર વગેરે બધું ઉમેરી દો અને મિક્સ કરી લો. હવે મિક્સ કરેલા સલાડમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાઉડર, જીરું પાઉડર, ચાટ મસાલો વગેરે ઉમેરીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરી ફરીથી મિક્સ કરો. આ સલાડને કોથમીર છાંટી ગાર્નિશ કરો.