- છત્રપતિ શિવાજી મહારાજ અંગેની ટિપ્પણી બાદ રાજ્યપાલ અને બીજેપી નેતા ત્રિવેદી વિપક્ષના નિશાના પર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનોએ આજે પુણે બંધનું આહવાન કર્યું છે. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), સંભાજી બ્રિગેડ અને અન્ય કેટલાક સંગઠનો બંધમાં ભાગ લેશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પુણેમાં વેપારી સંગઠન ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશન ઓફ પુણે (FATP) ના પ્રમુખ ફતેહચંદ રાંકાએ બંધને સમર્થન આપ્યું છે અને બપોરે 3:00 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
છત્રપતિ શિવાજી મહારાજ અંગેની ટિપ્પણી બાદ રાજ્યપાલ અને બીજેપી નેતા ત્રિવેદી વિપક્ષના નિશાના પર છે. શિવાજી મહારાજ પર રાજ્યપાલની ટિપ્પણી બાદ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેની વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેથી જ પક્ષોએ સર્વસંમતિથી બંધનું એલાન આપ્યું છે. આ બંધને વિવિધ વેપારી સંગઠનો, મરાઠા સેવા સંઘ, મુસ્લિમ સંગઠનો, દલિત સંગઠનો, ઓટો યુનિયનો, બેંક યુનિયનો અને વિવિધ સ્પોટ એસોસિએશનો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.
આ હતું રાજ્યપાલનું નિવેદન
મહારાષ્ટ્રના રાજ્યપાલ ગયા મહિને ઔરંગાબાદમાં ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો કોઈ પૂછે કે તમારો આઈકન કોણ છે તો તમારે કોઈની શોધમાં બહાર જવાની જરૂર નથી. તમને તેઓ અહીં મહારાષ્ટ્રમાં મળશે. છત્રપતિ શિવાજી મહારાજ હવે જૂના આદૅશ બની ગયા છે. તમે નવા લોકોને રોલ મોડલ તરીકે જોઈ શકો છો. બાબાસાહેબ આંબેડકરથી લઈને નીતિન ગડકરી સુધી.
રાજ્યપાલના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો હતો અને મરાઠા સંગઠનો અને વિપક્ષી નેતાઓએ સમાન રૂપે તેની નિંદા કરી હતી.