શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો શિવજીને અતિપ્રિય છે. માન્યતા છે કે આ મહિનામાં જ પાર્વતીજીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ શરૂ કર્યું હતું. શિવજી અને પાર્વતીજીના લગ્ન ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ત્રિયુગી નારાયણ મંદિરમાં ભગવાન વિષ્ણુએ કરાવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું મંદિર છે. આ જગ્યા શિવ-પાર્વતીના લગ્નસ્થળ તરીકે ઘણી પ્રચલિત છે. મંદિરમાં એક અખંડ ધૂણી છે. એના વિશે કહેવાય છે કે તે એ જ અગ્નિ છે, જેના ફેરા શિવ-પાર્વતીએ ફર્યાં હતાં. આજે તેમના ફેરાની અગ્નિ ધૂણી તરીકે જાગ્રત છે. આ મંદિર હવે વેડિંગ ડેસ્ટિનેશન બનતું જઈ રહ્યું છે. અહીં ઘણા લોકો લગ્ન કરવા માટે આવે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/content_image_33023469-d09d-466b-a0b3-0907b2dcc89b.jpeg)
મંદિરને ત્રિયુગી નારાયણ મંદિર કેમ કહેવાય છે
આ મંદિરમાં સ્થિત અખંડ ધૂણીની માન્યતા છે કે એ 3 યુગથી અખંડ પ્રજ્વલિત છે. એને કારણે મંદિરને ‘ત્રિયુગી મંદિર’ કહેવાય છે. આ મુખ્ય રીતે નારાયણ અર્થાત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું મંદિર છે, પરંતુ અહીં શિવ-પાર્વતીના લગ્ન થયા હતા, એને કારણે મંદિરમાં શિવજી અને વિષ્ણુજીના ભક્ત દર્શન કરવા પહોંચે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/unnamed.png)
શિવ-પાર્વતીના લગ્નની સંક્ષિપ્ત કથા
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, ત્રેતા યુગમાં દેવી સતીએ પોતાના પિતા પ્રજાપતિ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ દેવીએ પાર્વતીના રૂપે જન્મ લીધો. પાર્વતીએ કઠોર તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને લગ્ન કરવાનું વરદાન માગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ પાર્વતી અને શિવજીના લગ્ન આ જગ્યા પર કરાવ્યા હતા. આ મંદિર કેદારનાથ જેવું લાગે છે.
અહીં પ્રાચીન કુંડ છે
શિવ-પાર્વતીના લગ્નમાં બ્રહ્માજીએ પુરોહિતની ભૂમિકા ભજવી હતી. લગ્નમાં સામેલ થવા માટે બ્રહ્માજીએ એક કુંડમાં સ્નાન કર્યું, જેને બ્રહ્મકુંડ કહેવાય છે. અહીં ભગવાન વિષ્ણુએ પાર્વતીના ભાઈની ભૂમિકા ભજવી હતી. એક કુંડ વિષ્ણુજીના નામનો પણ છે. બીજા એક કુંડનું નામ રુદ્ર કુંડ છે. અહીં વિવાહમાં આવેલાં દેવી-દેવતાઓએ સ્નાન કર્યું હતું. મંદિર આવનારા ભક્ત અહીં ભેટ તરીકે લાકડાં અર્પિત કરતા હતા અને ઘરે જતા સમયે અખંડ ધૂણીની રાખ પ્રસાદ તરીકે લઈ જતા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/51582258725_1659150374.jpg)
અહીં 1100 રૂપિયામાં થઈ શકે છે લગ્ન
મંદિરમાં આવતાં વર-વધૂ માટે ડોક્યુમેન્ટેશન કરતાં અને પાંડવાસ ક્રિએશનના ડાયરેક્ટર સલીલ ડોભાલના જણાવ્યા પ્રમાણે, મંદિરમાં 1100 રૂપિયા દક્ષિણા આપીને પણ વિવાહ થઈ શકે છે. આ પૈસાથી મંદિરના પૂજારી વિવાહ માટેની સામગ્રી ભેગી કરે છે અને અન્ય રીતિ-રિવાજોનું પણ પાલન કરાવે છે. જે લોકો તેમના લગ્નને ભવ્ય બનાવવા માગે છે તેઓ અહીં 11 હજારથી 21 હજાર સુધીની દક્ષિણા તરીકે મંદિરમાં દાન કરે છે. અહીં કપલ્સ અને અન્ય મહેમાનોને રોકાવા માટે ઘણાં ગેસ્ટ હાઉસ અને હોટલ્સ છે. અહીં ગઢવાલ મંડળ વિકાસ નિગમની હોટલ્સ પણ છે. ત્યાં તમે તમારા બજેટ પ્રમાણે જગ્યા બુક કરાવી શકો છો. કહેવામાં આવે છે કે, રૂ. 11 હજારથી લઈને લાખોના બજેટ સુધી તમે અહીં તમારા લગ્નનું આયોજન કરી શકો છો.