- માત્ર એમ.ઓ.યુ થાય છે પણ અમલીકરણ કંઈ જ નહીં
- છેલ્લા 9 વર્ષમાં ન તો એક પણ ફિલ્મ સીટી બની ન તો સ્ટુડિયો..
ગુજરાતમાં ફિલ્મસિટી ઉભી કરવા સાથે સાથે મુંબઇ જેવું બોલીવુડ ગુજરાતમાં ઉભું કરવાના સપનાં સેવવામાં આવ્યા હતા પરંતુ પાછલી ત્રણ સરકારોની વહીવટી તંત્રની શિથિલતાના કારણે ફિલ્મ ઉદ્યોગ રાજસ્થાન અને અન્ય રાજ્યો તરફ જતો રહ્યો છે. ગુજરાતમાં વધતા જતાં ફિલ્મ શૂટીંગના આકર્ષણના કારણે નવ વર્ષ પહેલાં રાજ્યમાં ફિલ્મ સિટી અને ફિલ્મ સ્ટુડિયો ઉભા કરવાના આયોજનથી ડઝનબંધ ફિલ્મસ્ટારો સાથે સરકારે સમજૂતી કરાર કરી મૂડીરોકાણના વચનો લીધા હતા. પરંતુ બેદરકારીના કારણે આજદિન સુધી એક પણ ફિલ્મ સિટી તો બની નહીં પરંતુ ફિલ્મ સ્ટુડિયો ય ઉભો થઇ શક્યો નથી.
રાજ્યમાં બોલીવુડના સીતારાઓને આકર્ષવા અને ફિલ્મસિટી ઉભી કરવા આમંત્રણ અપાયું.. રાજ્ય સરકારે ફિલ્મ સિટી સ્થાપવા માટે 10 લોકેશન શોધી વાયબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણના વાયદા મેળવ્યા હતા. એટલું જ નહીં, પ્રવાસન વિભાગે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનની જેમ ૨૨ જેટલા સ્પેશ્યલ એન્ટરટેઇનમેન્ટ ઝોન રચવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હાલ સુધી તે માત્ર પેપર પર જ છે.. હકીકતમાં દેખાતું નથી..
કચ્છમાં ફિલ્મસ્ટાર સંજય દત્ત અને તેમના એનઆરઆઇ મિત્ર પરેશ ઘેલાણી હોલીવુડના યુનિવર્સલ સ્ટુડિયો જેવી ફિલ્મ સિટી બનાવવા તૈયાર હતા. તેમણે 1000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત પણ કરી હતી પરંતુ આ પ્રોજેક્ટ ખોરંભે પડી ગયો છે. એ જ પ્રમાણે ફિલ્મસ્ટાર જેકી શ્રોફ અમદાવાદ અને નળ સરોવરના વિસ્તારમાં 500 કરોડના ખર્ચે ફિલ્મ સ્ટુડિયો બનાવવાના હતા. તેમણે જગ્યા પણ પસંદ કરી હતી તેમ છતાં આ પ્રોજેક્ટ હજી અદ્ધરતાલ છે. મુંબઇ બેઝ ફિલ્મ પ્રોડયુસર મિહીર ભૂતા દક્ષિણ ગુજરાતમાં 500 કરોડની ફિલ્મ સિટી બનાવવાનું વચન આપીને ગયા હતા. તેમની સાથે પરેશ રાવલ પણ જોડાયેલા હતા. તેમણે પણ રોકાણ કર્યું નથી. હોલીવુડના નિર્માતા લૂલાએ પણ કચ્છના લોકેશનમાં ફિલ્મ સિટી તેમજ સ્ટુડિયો ઉભો કરવાના વચનો આપ્યાં હતા.
ફિલ્મસ્ટાર અને ભાજપના પૂર્વ સાંસદ શત્રુધ્ન સિંહાએ સ્ટુડિયો માટે કચ્છની પસંદગી કરી હતી. ઉપરાંત તેમણે આલિયા બેટમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ મોટ્ટ મેકડોનાલ્ડ આલીયાબેટ વિસ્તારમાં ૭૮૯ કરોડના ખર્ચે ગોલ્ફકોર્સ અને ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મ નિર્માતા ઇંદર કુમાર અને તેમના પાર્ટનર અશોક ઠાકરિયા વડોદરામાં ફિલ્મ શૂટીંગ માટે સ્ટુડિયો, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું કહીને ગયા હતા. વડોદરામાં સાગર ગ્રુપ ૩૫ એકર જમીનમાં ફિલ્મ એકેડેમી તેમજ સ્ટુડિયો બનાવવાના હતા. આમ છતાં આ પ્રોજેક્ટ આવી શક્યા નથી.

હવે વધુ એક વખત અજય દેવગણે પણ એમઓયુ કર્યા છે.. જે કેટલા અંશે અને ક્યારે સાકાર થાય છે તે જોવું રહ્યું..