Published by : Rana Kajal
ભારતીય શેર બજારોમાં ૨૭,જાન્યુઆરી ૨૦૨૩થી તમામ લિસ્ટેડ શેરો-સ્ક્રિપોમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ અમલી બનશે. આ ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલમાં હવે અંતિમ બેચમાં શુક્રવારથી ૨૫૬ શેરોમાં ટી પ્લસ વન સેટલમેન્ટ અમલી બનશે. આ સાથે ચાઈના બાદ ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ તમામ શેરોમાં અમલી કરનાર ભારત વિશ્વનો બીજો દેશ હશે. પરંતુ હજુ અમેરિકા, યુરોપ અને જાપાન જેવા બજારોમાં પણ ટી પ્લસ ટુ સેટલમેન્ટ સાઈકલ લાગુ છે. ટી પ્લસ વન સેટલમેન્ટ એટલે કે જે દિવસે શેરોની ખરીદી-વેચાણ કરાયું હોયએ શેરોના સોદાને એક દિવસમાં અથવા ૨૪ કલાકમાં સેટલમેન્ટ કરવાનું રહે છે. દાખલા તરીકે એક રોકાણકારે સોમવારે ૫૦ શેરો ખરીદ્યા છે, તો આ શેરો તેના ખાતામાં મંગળવારે જમા થઈ જવા જોઈએ. જ્યારે આ શેરો વેચનારને એ મુજબ નાણા તેમના ખાતામાં મળી જવા જોઈએ. જેમાં નિફટી ૫૦ ઈન્ડેક્સ અને સેન્સેક્સના શેરો જેવા કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતનો સમાવેશ થઈ જશે. આ સાથે ડાબર ઈન્ડિયા, અંબુજા સિમેન્ટસ, ટાટા કેમિકલ્સ, પીબી ફિનટેક, એફએસએન ઈ-કોમર્સ, ડેલહિવરી, વન૯૭ કોમ્યુનિકેશન્સ સહિતનો પણ સમાવેશ થઈ જશે.