શ્રાવણ મહિનાનો દરેક મંગળવાર ખાસ માનવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ દિવસે દેવી પાર્વતી સાથે જ માતા દુર્ગા અને હનુમાનજીની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. સુખ-સમૃદ્ધિ પણ વધે છે. પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ દેવી-દેવતાઓની આરાધનાથી અખંડ સૌભાગ્ય, સમૃદ્ધિ, દુશ્મનો ઉપર વિજય, રોગ, ઉધાર અને પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. તેમાં દેવી પાર્વતી માટે મંગળવારે મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજી માટે વ્રત-પૂજાથી દુશ્મનો ઉપર વિજય અને દેવાથી મુક્તિ મળી શકે છે. ત્યાં જ, દેવી દુર્ગા પાસેથી શક્તિ મેળવવા માટે કન્યા પૂજન પણ કરવું જોઈએ.
દેવી પાર્વતી માટે મંગળા ગૌરી વ્રત
શ્રાવણ મહિના દરમિયાન દર મંગળવારે દેવી પાર્વતીની ગૌરી સ્વરૂપમાં પૂજા અને વ્રત કરવાનું વિધાન છે. મંગળવાર અને ગૌરી મળીને મંગળા ગૌરી વ્રત બન્યું છે. આ વ્રત દરેક પ્રકારનું મંગળ કરે છે એટલે પણ આ નામ પડ્યું છે. મંગળા ગૌરી વ્રત કુંવારી કન્યાઓ સારા પતિને મેળવવા માટે કરે છે. પરીણિતા મહિલાઓ લગ્નસુખ અને સમૃદ્ધિની ઇચ્છાથી આ વ્રત કરે છે.
શ્રાવણ મંગળવારે હનુમાનજીની પૂજા
શ્રાવણ મહિનાના મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજાનું પણ મહત્ત્વ છે. આ દિવસે ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. ડો. મિશ્ર જણાવે છે કે સ્કંદપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં મંગળવાર અને શનિવારના રોજ રૂદ્ર મંત્રોથી હનુમાનજીનો અભિષેક અને પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી દેવુ દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.
શ્રાવણમાં દુર્ગા પૂજા
દેવી ભાગવત અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના મંગળવારે દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે કન્યા પૂજન કરવાની પણ પરંપરા છે. મંગળવારે દેવી દુર્ગાની પૂજા કરવાથી સમૃદ્ધિ વધે છે અને બીમારીઓથી પણ છુટકારો મળે છે. મંગળવારે દેવી દુર્ગાની આરાધના સાથે વ્રત કરવાથી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.