Published By : Disha PJB
શ્રાવણ મહિનામાં સોમવારે શિવાલયોમાં ભક્તો જળાભિષેક કરવા માટે પહોંચે છે. બાકીના પંથને માનનારા લોકો માટે આ ફક્ત એક ચોમાસાની સીઝન છે, પણ સનાતનીઓ માટે આ ભગવાન શિવને સમર્પિત મહિનો છે. ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ચાલો આજે મટન-ચિકન ખાઈ લઈએ કેમ કે કાલથી તો શ્રાવણ શરુ થાય છે. ઘણા લોકો શ્રાવણ મહિનામાં માંસ અને મદિરાનો ત્યાગ કરે છે, તેમના હિસાબે આ ત્યાગ અને આસ્થાનું પ્રતીક છે.
આવું લોજિક આપનારા લોકોને એ ખબર નથી હોતી કે, તે શિવની પૂજા 12 મહિના કરી શકે છે. શિવને જો આપના માંસ ખાવાથી વાંધો હોય તો, બાકીના મહિનામાં પણ ભગવાન નારાજ રહે. જોવા જઈએ તો, શ્રાવણ મહિનામાં માંસ ત્યાગ કરવું એ આસ્થાથી વધારે વૈજ્ઞાનિક તારણ છે. આસ્થા એની જગ્યાએ અને વિજ્ઞાન એની જગ્યાએ !
કહેવાય છે કે, શ્રાવણમાં પાચન શક્તિ પણ નબળી થવા લાગે છે અને માંસ પચાવવામાં સમય લાગે છે, જો યોગ્ય સમયે માંસ પચે નહીં તો આંતરડામાં સડો થવા લાગે છે, જે ફુડ પોઈઝનિંગનું કારણ બને છે.
આ સિઝનમાં બર્ડ ફ્લુ ફેલાવાનો ખતરો સૌથી વધારે હોય છે. બીમાર જાનવરનું માંસ ખાવાથી માણસ માટે ઝેર સમાન બની જાય છે. આ મહિનામાં માછલી ઈંડા આપે છે. તેના શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. તે બીમાર પણ થાય છે. એટલા માટે માછલી ન ખાવી જોઈએ અને મરઘીના ઈંડાથી પણ દૂર રહેવું જોઈએ.