EDની ટીમ શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચીને કાર્યવાહી કરી રહી છે. EDની ટીમમાં ચારથી પાંચ જેટલા અધિકારીઓ છે. મહારાષ્ટ્રમાં 1034 કરોડના પાત્રા ચાલી જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પૂછપરછ કરી રહી છે. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેઓ અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDના અધિકારીઓ તેમના ઘરે પહોંચી ગયા હતા.
શિવસેનાના કાર્યકરો રાઉતના ઘરની બહાર એકઠા થયા હતા
EDની કાર્યવાહીની માહિતી મળતાં જ શિવસેનાના કાર્યકરો સંજય રાઉતના ઘરની બહાર એકઠા થવા લાગ્યા હતા. કાર્યકરોએ કેન્દ્ર સરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
11 કરોડની સંપત્તિ જપ્ત
આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલી સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આરોપ છે કે રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલીમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ પ્લોટ પર 3000 ફ્લેટ બાંધવાનું કામ મળ્યું હતુ. જેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા રહેવાસીઓને આપવાના હતા. બાકીની રકમ MHADA અને કંપનીને આપવાની હતી, પરંતુ વર્ષ 2011માં આ વિશાળ પ્લોટના કેટલોક ભાગ અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો હતો.