Published By : Patel Shital
- અનેક રોગની દવા…
- સરકારે હેરિટેજ ટ્રી જાહેર કર્યું…
- હજી પણ ચાલતા સંશોધનો…
સંજાણ ગામના એક આંબાના ઝાડની ખુબ ચર્ચા ચાલી રહી છે. તેને ચલતા ઝાડ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે જ અનેક રોગના ઉપચાર સાથે પણ આ ઝાડ સંકળાયેલ હોય સરકારે તેને હેરિટેજ ટ્રી તરીકે જાહેર કરેલ છે.
વલસાડ જિલ્લાના સંજાણ ગામે ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડને સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. ચાલતા આંબા તરીકે ઓળખાતું આંબાનું આ વૃક્ષ કેટલાક વર્ષો નહીં પરંતું 1400 વર્ષ જૂનું હોવાની અને દાયકાઓ દરમિયાન તેના મૂળ સ્થાનથી દૂર ખસતો હોવાની માન્યતા છે. સાથે જ આંબાના પાન ડાયાબિટીસમાં જ્યારે તેની છાલ પેટના દર્દમાં દવા તરીકે કામ આવતી હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે. સરકારે 2011 થી હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. આંબાનું ઝાડ તેના મૂળ સ્થાનથી દૂર ખસે છે તેવી માન્યતા છે. આંબાના ઝાડના માલિક મોહમંદ ઓશૈફ વલીમિયા અચ્છુએ જણાવ્યું કે તેમના જન્મ પહેલાથી આ આંબો તેમની વાડીમાં છે. આંબા વિશે તેમના મોટાભાઈ અબ્દુલહાફિઝ વલીમિયા અચ્છુ અને પિતા વલીમિયા એહમદ અચ્છુ પાસેથી સાંભળવા મળ્યું કે આંબો તેના મૂળ સ્થાનેથી આગળ વધે છે. એટલે તેને લોકો ચાલતો આંબો કહે છે. જો કે લોક વાયકા મુજબ આંબો તેના મૂળ સ્થાનથી ઘણો આગળ વધ્યો છે.
વાડી માલિક મોહમદ ઓશૈફ અચ્છુના કહેવા મુજબ સ્થાનિક આદિવાસી લોકો આ આંબાની પૂજા કરે છે. આંબાના પાન ડાયાબિટીસમાં જ્યારે તેની છાલ પેટના દર્દમાં દવા તરીકે કામ આવતી હોય સ્થાનિક લોકો અવારનવાર તે લેવા આવે છે.

વર્ષો જુના આ આંબાના વૃક્ષની ખાસિયત એવી છે કે તેનું થડ અમુક વર્ષો પછી સુકાય જાય છે. જ્યારે તેની એકાદ ડાળ જમીન તરફ નમી થડનું સ્વરૂપ પામે છે જ્યારે મૂળ થડ સુકાય જાય છે. જો કે તેની આ ક્રિયા દાયકાઓના અંતે બને છે. હાલમાં છેલ્લા ત્રીસેક વર્ષમાં પણ આવું બન્યું છે. આંબાની આ ખાસિયત અંગે સરકારે તેને હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તે અંગે વિશેષ સંશોધન પણ હાથ ધર્યું હતું. જો કે તેનો નિષ્કર્ષ હજુ આવ્યો નથી. હાલ આ વૃક્ષ ફરતે સામાજિક વનીકરણ વિભાગે ફેન્સિંગ કરી તેની ખાસિયત અંગે એક બોર્ડ મૂક્યું છે. અવારનવાર તેનું નિરીક્ષણ કરવા અધિકારીઓ આવતા રહે છે. સંજાણ બંદરે ઉગેલો આ આંબો ઉપર આકાશમાં વધવાની સાથે જમીનને સમાંતર આડો પણ વધી રહ્યો છે. જેને સંજાણ સહિત ગુજરાતમાં ‘ચાલતો આંબો’ તરીકે ઓળખવામાં આવે છે.




