સંસદની કાર્યવાહી સ્થગિત થયા પછી સંસદ પરિસરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે બોલાચાલી થઈ તો સોનિયાએ સ્મૃતિને કહ્યું કે ડોન્ટ ટોક ટુ મી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો કે સોનિયાએ ભાજપની મહિલા સાંસદોને ધમકાવ્યા છે.
આ રીતે થઈ બોલાચાલી
સોનિયા ગાંધી જ્યારે સંસદ પરિસરમાં હતા ત્યારે ભાજપના મહિલા સાંસદોએ તેમને રોકીને તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. સાંસદ રમા દેવીએ સોનિયાને કહ્યું કે તમારા સાંસદ અધીર રંજન રાષ્ટ્રપતિ વિશે કેવા નિવેદન આપી રહ્યાં છે. આ અંગે સોનિયાએ કહ્યું કે અધીર રંજને માંફી માંગી લીધી છે પરંતુ આ મામલામાં મારુ નામ શા માટે લેવામાં આવ્યું?
આ દરમિયાન ત્યાં હાજર સ્મૃતિ ઈરાનીએ કહ્યું- મેડમ હું તમારી શું મદદ કરી શકું છું, મે તમારું નામ લીધું હતું. આ અંગે સોનિયાએ કહ્યું- ડોન્ટ ટોક ટુ મી. તે પછીથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલીચાલી ઉગ્ર બનતા જ સોનિયા ગાંધી ત્યાંથી ચાલ્યા ગયા હતા. જોકે તેમના ગયા પછીથી ભાજપની મહિલા સાંસદોએ નારેબાજી શરૂ કરી દીધી હતી.
બીજી તરફ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે સોનિયાએ ભાજપની મહિલા સાંસદોને ધમકાવી છે. તેમણે કહ્યું કે સોનિયાએ સ્મૃતિ સહિતના અન્ય ભાજપના સાંસદો સાથે ખરાબ વર્તન કર્યું છે.
સોનિયા આ કારણે ગુસ્સે થયા
કોંગ્રેસના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ બુધવારે સંસદ પરિસરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહ્યું હતું. તેની પર ભાજપની મહિલા સાંસદોએ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો કર્યો હતો. બંને ગૃહોની કાર્યવાહીને સ્થગિત કરવાની ફરજ પડી હતી. સંસદમાં સ્મૃતિએ અધીર રંજનના નિવેદન માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી અને સોનિયા ગાંધીને આ બાબતે માંફી માંગવા કહ્યું હતું.
સ્મૃતિ આટલેથી અટકી નહોતી. સંસદની કાર્યવાહી સ્થગિત થયા પછી તેણે મીડિયાને કહ્યું- અધીર રંજન તેમના નિવેદન બાબતે એટલે માંફી માંગી રહ્યાં નથી કારણ કે તેમના નિવેદન પર સોનિયાની પરવાનગી છે. સ્મૃતિએ જે રીતે લોકસભામાં સોનિયા પર સીધો હુમલો કર્યો અને નેશનલ હેરાલ્ડ કેસમાં ત્રણ દિવસ સુધી ED દ્વારા પૂછપરછ થઈ, તેનાથી સોનિયા નારાજ છે.

નિર્મલા સીતારમણે અધીરના નિવેદનને લૈંગિક ભેદભાવ ગણાવ્યા
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ નેતા અધીર રંજનની ટિપ્પણીને સેક્સિસ્ટ એટલે કે લૈંગિક ભેદભાવ ગણાવી. તેમણે કોંગ્રેસને દેશની અને રાષ્ટ્રપતિની માંફી માંગવા કહ્યું. નાણાંમંત્રીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કહ્યું કે એવું નથી કે આ શબ્દ ભૂલથી અધીર રંજનના મોઢામાંથી નીકળ્યો છે. તેમણે જાણી જોઈને આમ કર્યું છે.