Published by : Anu Shukla
ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપનીઓમાંની એક વોડાફોન આઈડિયા માટે દિવસેને દિવસે કપરા ચઢાણ છે. લાયસન્સ ફી ન ચૂકવી શકતા કંપની ડિફોલ્ટર બની છે. કંપનીએ લાઇસન્સ ફી સરકારને ન ચૂકવતા સરકાર તરફથી કારણ બતાવો નોટિસ મળી શકે છે. જો કંપની આ બાબતે સરકારને સંતુષ્ટકારક જવાબ નહિ આપી શકે તો સરકાર દ્વારા કંપનીનું લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી શકે છે.
ટેલિકોમે છેલ્લા ક્વાર્ટરમાં લાઇસન્સ ફીના માત્ર 10 ટકા જ ચૂકવ્યા છે. વોડાફોન આઈડિયાએ કુલ રૂ.780 કરોડની લાઇસન્સ ફીની સામે સરકાર પાસે લાઇસન્સ ફી તરીકે માત્ર રૂ.78 કરોડ જ જમા કર્યા છે. કંપનીએ સ્પેક્ટ્રમ યુએઝ ચાર્જ પણ પૂરો ચૂકવ્યો નથી. જોકે કંપની પાસે વ્યાજ સહિતના પૈસા ચૂકવવા માટે એક મહિનાનો સમય હોય છે.
આગામી બેથી ત્રણ દિવસમાં સરકાર કંપનીને કારણ બતાવો નોટિસ આપશે. ત્યાર બાદ લાયસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી શકાશે.
લાઇસન્સ ફી માટે કંપનીએ માર્કેટ રેટ કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડશે અને અગાઉથી જ કંપની પાસે ભંડોળની અછત છે. નાણાંની વ્યવસ્થા માટે બેંકોનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી કંપનીને નાણાં મળી શક્યા નથી.