Published by : Anu Shukla
અગ્રણી નિર્માતા આનંદ પંડિતે આ વર્ષે વિવિધ પ્રકારની ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું છે અને હવે સરકાર ૪ની જાહેરાત પછી એમાં વધુ વૈવિધ્ય આવ્યું છે. રાજકીય કાવાદાવાની વાર્તા તેમજ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના જોરદાર પરફોર્મન્સથી પ્રેક્ષકોને જકડી રાખનાર રસપ્રદ ફ્રેન્ચાઈસીની આ આગામી સીક્વલ છે.
પંડિતે જણાવ્યું કે ફ્રેન્ચાઈસીના ફેન તરીકે મને સરકાર ૪ નિર્માણ કરવાની અત્યંત ઉત્સુકતા છે અને તેની પટકથા પાકી થતાં જ પ્રોજેક્ટની આગેવાની કરવા હું અમિતાભ બચ્ચનનો સંપર્ક કરીશ. અમિતાભ વિના કોઈપણ ફિલ્મ બનાવવાની હું કલ્પના પણ ન કરી શકું આ ફ્રેન્ચાઈસીનો તો તે આત્મા અને પ્રાણ છે. એની આગેવાની લેવા માટે અમિતાભ સિવાય કોઈનો વિચાર પણ ન થઈ શકે. પણ સૌ પ્રથમ અમારે યોગ્ય પટકથા બનાવવી પડશે. અમારુ ૫૦ ટકા બજેટ પટકથા અને નિર્માણના મૂલ્યો પાછળ ખર્ચાશે.
પંડિતને સરકાર ૪ થિયેટરમાં રજૂ કરવા બાબતે ઘણી અપેક્ષા છે અને તેમના મતે ફિલ્મોના સારા દિવસો પાછા આવી ગયા છે. પંડિત કહે છે કે થિયેટરોનો યુગ ફરી શરૂ થયો છે અને મારી ઈચ્છા ઓછામાં ઓછા થિયેટરોમાં સરકાર ૪ રજૂ કરીને મોટી સફળતા મેળવવાની છે.
પંડિતે કહ્યું કે અમિતાભ બચ્ચન ઉપરાંત બાકીની કાસ્ટ પાત્રોની જરૂરીયાત મુજબ ઉમેરવામાં આવશે. અમે યોગ્ય પ્રોજેક્શનને લાયક હોય અને તેમના પાત્રોને પૂરતો ન્યાય આપી શકે તેવા યુવા અને આશાસ્પદ કલાકારો સાથે પણ કામ કરવા માગીએ છીએ. આ ફ્રેન્ચાઈસીની અગાઉની ફિલ્મોને સારો આવકાર મળ્યો હતો અને આ સીક્વલ તમામ અપેક્ષા પાર કરી જશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.