- અવિસર્જિત પ્રતિમાઓનું માન સન્માન સાથે વિસર્જન કરવું જરૂરી
- છેલ્લા સમયે મુકાયેલી ક્રેઇન અને પૂરતી વ્યવસ્થાના અભાવે સર્જાયેલ સ્થિતિ
ભરૂચમાં નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન નિષેધ વચ્ચે ભાડભુત ખાતે 9 ફૂટ કે તેથી વિરાટ પ્રતિમા માટે વિસર્જનનું આયોજન કરાયું હતું.
ભાડભુતમાં મોડે મોડે વિસર્જન માટે આયોજન અને ક્રેઇન મુકવામાં આવી હતી. જોકે પૂરતી વ્યવસ્થા અને તરવૈયા સહિતના અભાવે વિસર્જનના આજે શનિવારે બીજા દિવસે કેટલીય મૂર્તિઓ કિનારે જ અવિસર્જિત રહી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.ભાડભૂતમાં નાની મોટી થઈ ૩૦૦થી વધુ પ્રતિમાઓનું વિસર્જન ભક્તો તેમજ વિવિધ મંડળો દ્વારા કરાયું હતું.
ભરૂચના મોટા શ્રીજી મંડળોના પ્રતિમાના વિસર્જનની પ્રક્રિયા તો મધરાતે હાથ ધરાઈ હતી.જે બાદ શનિવારે સવારે સર્જનહારની કેટલીય વિરાટ મૂર્તિઓ કિનારે જ અવિસર્જિત રહી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જે જોઈ ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી. માન સન્માન સાથે પ્રતિમાઓના પુનઃ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાઈ તેવી લાગણી ભક્તો અને મંડળો સેવી રહ્યા છે.