રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં દિગ્વિજય સિંહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકના ભાજપની કેન્દ્ર સરકારે અનેક દાવા કર્યા પરંતુ કોઈ પુરાવા આપ્યા નથી. જમ્મુના સતવારી ચોક ખાતે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભાજપ માત્ર જુઠ્ઠાણા પર રાજ કરે છે. તેમણે કહ્યું કે તેની માહિતી ન તો સંસદમાં રજૂ કરવામાં આવી હતી અને ન તો તેને જાહેર કરવામાં આવી હતી.
દિગ્વિજય સિંહે વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર માત્ર હિંદુ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવી રહી છે અને કોઈ કામ કરી રહી નથી. તેમણે કહ્યું કે સરકાર અહીં કોઈ કામ કરાવવા માંગતી નથી, અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા માંગતી નથી. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભાજપ સમસ્યાને કાયમી રાખવા માંગે છે જેથી કરીને કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બની શકે. રેલીને સંબોધતા દિગ્વિજય સિંહે કહ્યું કે પુલવામાની ઘટના સરકારની ભૂલ છે. તેમણે કહ્યું કે સરકાર જાણે છે કે પુલવામા સંવેદનશીલ વિસ્તાર છે તો પછી સૈનિકોને હવાઈ માર્ગે કાશ્મીર કેમ ન મોકલવામાં આવ્યા. તેમણે કહ્યું કે સરકારે આ જાણી જોઈને કર્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે દરેક વાહનની તપાસ કરવામાં આવે છે, તો પછી સ્કોર્પિયો વાહનની તપાસ કેમ ન થઈ, જેના કારણે 40 જવાનો શહીદ થયા.