- મેડિકલ હબ બનવા તરફ ગુજરાતની હરણફાળ
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેડિસિટી અમદાવાદ ખાતે રૂ. ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
- ગુજરાત મેડિકલ-ફાર્મા-બાયોટેક રીસર્ચમાં સમગ્ર દુનિયામાં પરચમ લહેરાવશે
ગુજરાતમાં વિશ્વ કક્ષાની અત્યાધુનિક વિવિધ આરોગ્ય સુવિધાઓના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતેથી રૂ. ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંસાધનોમાં સંવેદના જોડાય ત્યારે તેનો ઉપયોગ પરિણામલક્ષી બની શકે છે. જેનો લાભ ગરીબ, મધ્યમવર્ગ, મહિલાઓ અને બાળકોને મળે છે. સંસાધનો સાથે સંવેદના જોડાતા સંસાધનો સેવાનું ઉત્તમ માધ્યમ બને છે.
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે ક્ષેત્રો એવા છે જે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યને પણ સુરક્ષિત કરવાનું સામર્થ્ય ધરાવે છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં વિવિધ આરોગ્ય પ્રકલ્પોને ખુલ્લા મુકતા વડાપ્રધાનએ જણાવ્યું કે, અમદાવાદ-ગુજરાતમાં વિશ્વની સૌથી એડવાન્સ મેડિકલ ફેસિલીટી ઘરાવતી મેડિસીટી કાર્યાન્વિત થતા અમદાવાદ આજે મેડિકલ ટુરિઝમનું હબ બન્યું છે. મેડિસિટી માત્ર આરોગ્યની એક સંસ્થા જ નહીં પરંતુ ગુજરાતના સામર્થ્યનું પ્રતિક છે.

વડાપ્રધાનએ આ અવસરે ૮૫૦ બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, સિવિલ મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્ટિટ્યૂટના 1-સી બ્લોક તથા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ, સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભીલોડા અને અંજાર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અસારવા સિવિલ કેમ્પસમાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને રૈનબસેરાનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
તેમણે રાજ્ય સરકારના “વન ગુજરાત-વન ડાયાલિસિસ” કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર તથા રાજ્યમાં જિલ્લા મથકો પર ૨૨ (બાવીસ) ડે કેર કિમોથેરાપી સેન્ટરનો શુભારંભ કરાવ્યો અને નવિન ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર સાથે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત રાજ્યમાં કુલ ૨૭૦ નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત કરાવ્યા હતા.

વડાપ્રધાનએ વધુમાં કહ્યું કે, આજથી ૨૦ વર્ષ પહેલાં રાજ્યની વ્યવસ્થાઓને અનેક બીમારીઓએ જકડી રાખી હતી. આરોગ્ય ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ, શિક્ષણની વ્યવસ્થાઓમાં અભાવ, વીજળીમાં અવરોધ, પાણીની તંગી, કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતી અને સૌથી વિશેષ વોટ બેંકના રાજકારણે ગુજરાતના વિકાસને અવરોધી રાખ્યો હતો. પરંતુ અમે આરોગ્ય સુવિધાઓની સાથે સાથે, સમાજ વ્યવસ્થાના સુધારથી ગુજરાતને વિકાસના પંથે લઇ જવા તબીબોની જેમ જ સારસંભાળનો અભિગમ અપનાવીને કાર્ય કર્યું.
ડબલ એન્જિન સરકારથી નાગરિકોને થતા લાભનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, વિશ્વની સૌથી મોટા આરોગ્ય વીમા કવચ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અને ગુજરાતની મા યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે.