સલમાન ખાને હાલમાં જ ગન લાઇસન્સ માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં સલમાનના પિતા સલીમ ખાનને ધમકી મળી હતી. ત્યારબાદથી સલમાન ખાન પોતાની સુરક્ષા અંગે ઘણો જ ચિતિંત છે. સલમાનને 2018માં પણ કેનેડા બેઝ્ડ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે ધમકી આપી હતી.
સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ મળી ગયું છે. આટલું જ નહીં સલમાન ખાને પોતાની લેન્ડ ક્રૂઝર કારને અપડેટ કરીને બુલેટપ્રૂફ બનાવી છે. રિપોર્ટમાં સીનિયર IPS અધિકારીએ એ વાત સ્વીકારી છે કે લાઇસન્સની પ્રિન્ટ નીકળી ગઈ છે અને પ્રોસિજર પ્રમાણે ઝોન 9ના ડેપ્યૂટી કમિશ્નર ઓફ પોલીસ પાસે વેરિફિકેશન માટે ફાઇલ મોકલવામાં આવી હતી. ક્રિમિનલ રેકોર્ડ ચેક કર્યા બાદ હેડક્વાર્ટ્સે આ ફાઇલ ક્લિયર કરી દીધી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન જાતે લાઇસન્સ લેવા નહોતો ગયો, પરંતુ તેનો એક માણસ પોલીસ હેડ ક્વાર્ટ્સમાંથી લાઇસન્સ લઈ આવ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/Salman_Khan.jpg)
મૂસેવાલા જેવો હાલ થશે નો ધમકીભર્યો પત્ર
સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાંદ્રામાં ફરિયાદ કરી હતી. થોડાં દિવસ બાદ એ વાત સામે આવી હતી કે લોરેન્સ ગેંગે પબ્લિસિટી માટે સલમાનને ધમકી આપી હતી.