Published by : Anu Shukla
- સાંસદોને નવા બિલ્ડિંગના ઓડિયોવિઝુઅલ ડિવાઇસની ટ્રેઇનિંગ પણ આપવામાં આવશે
- લોકસભા સચિવાલયે શરૂ કરેલી કામગીરી
બજેટ સત્ર અગાઉ લોકસભા સચિવાલયે સાંસદો માટે નવા સંસદભવન માટેના નવા કાર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત સાંસદોને નવા બિલ્ડિંગના ઓડિયોવિઝુઅલ ડિવાઇસની ટ્રેઇનિંગ પણ આપવામાં આવશે.
બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૩૧ જાન્યુઆરીએ શરૂ થઇ ૧૦ ફેબ્રુઆરીએ સમાપ્ત થવાની શક્યતા છે. જ્યારે બજેટ સત્રનો બીજો તબક્કો ૬ માર્ચે શરૂ થશે તથા ૬ એપ્રિલે પૂર્ણ થવાની શક્યતા છે. જો કે સત્રની તારીખો અંગેનો અંતિમ નિર્ણય હવે લેવામાં આવશે.
લોકસભા સચિવાલયે જણાવ્યું છે કે સંસદના નવા ભવનમાં પ્રવેશવા માટે સ્માર્ટ કાર્ડ આધારિત નવા આઇકાર્ડ સાંસદો માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સ્માર્ટ કાર્ડ આધારિત કાર્ડ ખુબ જ સુરક્ષિત હશે તેમાં સુરક્ષાના અનેક ઉપાયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ નવા આઇકાર્ડ માટે સાંસદોનો વ્યકિતગત અને બાયો મેટ્રિક ડેટા કલેક્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર, ૨૦૨૦માં સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો. બજેટ સત્રનો બીજો તબક્કો સંસદના નવા ભવનમાં યોજવામાં આવે તેવી શક્યતા છે. સંસદના નવા ભવનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.