Published By : Disha PJB
બંધકોશ કે મળાવરોધ તરીકે પણ ઓળખાતી કબજિયાતની બીમારી સામાન્ય છે અને તે તમામ ઉંમરના લોકોને થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય સંજોગોમાં તમે સામાન્ય રીતે તમારા આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો સાથે તેની સારવાર કરી શકો છો.
આયુર્વેદ રોગ થવાનાં વિવિધ કારણો પૈકી કુદરત દ્વારા મોકલાતા સંકેતરૂપી ભૂખ, તરસ, છીંક, બગાસુ, મળ-મૂત્ર પ્રવૃત્તિ વગેરેનાં વેગને પરાણે રોકવાને પણ ગણાવે છે. વેગને રોકવાથી શરીરનાં વિવિધ અવયવોનાં તાલમેલથી થતી બહુવિધ, બહુઆયામી જૈવરાસાયણિક પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. જેની આડઅસર રોગોનું કારણ બને છે.
આંતરડાની ગતિમાં નિયમિતતા – સક્રિયતા માટે – ખોરાકમાં લીલા પત્તાવાળા, રેસાવાળા શાકભાજીનું પ્રમાણ વધારવું, મેથી-પાલક-તાંદડજો-સરગવાના પાન-બથવાની ભાજીનો સમાવેશ નિયમિત અંતરાલે કરવો. ઘઉં, ચોખા, દાળ ઉપરાંત ફોતરાવાળા કઠોળ કે ઉગાડેલા કઠોળ, કચુંબર, પપૈયા-ચીકુ-કેળા જેવા ફળોનો સમાવેશ કરવો. બંને સમયે નિયમિત સમયે તાજો, ગરમ ખોરાક ખાવો. ખોરાકમાં દાળ, સૂપ, કઢી, રસમ જેવા પ્રવાહી ખોરાક ઉમેરવા. પાતળી-મોળી છાશ સંચળ-શેકેલું જીરૂ ઉમેરી પીવું.
મેંદો, બિસ્કીટ, પિઝા, બેકરી આઈટમ્સ નાસ્તામાંથી દૂર કરી તાજા સિઝનલ ફળો, બદામ, ખજૂર જેવા તૈલી-રેસાયુક્ત કુદરતી ફળો ખાવા. કેળાં-ચીકુ-પપૈયા, નાસપતિ, પાઈનેપલ જેવા ફળોમાં રહેલાં રેસા અને પાચક-સારક ગુણ કબજીયાત મટાડે છે.
સવારે ખાલી પેટે ૧ થી ૩ ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું.
રાતભર પાણીમાં ૪-૫ જલદારૂ પલાળી સવારે ચાવીને ખાઈ, જેમાં પલાળ્યા હોય તે પાણી પી જવું. જરૂર જણાય તો આ પ્રયોગ સવાર-સાંજ બે વખત કરવો.
ગરમાળાનો ગર, હરડે સરખાભાગે ભેળવી ૧ થી ૩ ચમચી જરૂરિયાત મૂજબ રાત્રે પાણી સાથે લેવું અથવા નવશેકા પાણી સાથે એક ચમચી દિવેલ રાત્રે સૂતી વખતે એક ચપટી સૂંઠ ઉમેરી પીવું.