Published by : Vanshika Gor
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. માત્ર ફિલ્મ જ નહીં પરંતુ બ્રહ્માસ્ત્રના ગીતો પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યા હતા. ફિલ્મના ગીત ‘કેસરિયા’ને સૌથી વધુ પ્રેમ મળ્યો હતો. હવે આ ગીતને લઇને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે સિંગર સ્નેહદીપ સિંહે ગાયું છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ વીડિયોમાં એક વ્યક્તિ બ્રહ્માસ્ત્રનું ગીત ‘કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા’ 5 અલગ-અલગ ભાષાઓમાં ગાતો જોવા મળી રહ્યો છે. તેણે આ ગીત મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં ગાયું છે. લોકો સિંગરના વખાણ કરી રહ્યા છે. ગીતમાં યુવા સિંગર સ્નેહદીપ સિંહનો અવાજ સાંભળીને દરેક લોકો તેના ફેન બની ગયા છે. આટલું જ નહીં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગાયકના વખાણ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી સ્નેહદીપ સિંહનો આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ‘ટેલેન્ટેડ સ્નેહદીપ સિંહની આ અદ્ભુત રજૂઆત જોઈ. તેમના મધુર અવાજની સાથે તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની મહાન લાગણીની અભિવ્યક્તિ છે. શાનદાર!’ પીએમ મોદીના ટ્વિટ બાદ સ્નેહદીપ ચર્ચામાં આવી ગયો છે. સિંગરના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.