તાજેતરમાં વડોદરાની સીમમાં આવેલા સિંધરોટથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવી હતી. જેના સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવતા શહેરના સુભાનપુરા વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ ઝડપી પાડવામાં આવ્યું હતું. વડોદરા પાસે ચાલતી ડ્રગ્સની ફેક્ટરીના તાર વિદેશ સુધી જોડાતા હોવાના અહેવાલો પણ તાજેતરમાં સામે આવ્યા હતા. તેવામાં આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં ગુજરાત એટીએસ દ્વારા સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ ગુજરાતની ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થતા જ ગુજરાત એટીએસ દ્વારા પાયલ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને મીની ડ્રગ્સ ફેક્ટરી મામલે પકડી પાડવામાં આવેલા આરોપીને પણ અહિંયા લાવવામાં આવ્યો છે. દુકાનમાંથી પ્લાસ્ટીકના બેરલ મળી આવ્યા છે. તેમાંથી શંકાસ્પદ મટીરીયલ મળી આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત એટીએસના અનેક જવાનો આ કામગીરીમાં જોડાયા છે. મોટી સંખ્યામાં ગુજરાત એટીએસના અધિકારીની હાજરીને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી છે. ગુજરાત એટીએસ સાથે વડોદરા એસઓજીના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. મીની ડ્રગ્સ ફેક્ટરી ઝડપાયા પછી આરોપીઓની પુછપરછમાં આ દુકાનનું કનેક્શન ખુલ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, શંકાસ્પદ મટીરીયલના બેરલ ખોલતા જ તેની તિવ્ર અસર થતા કેટલાક અધિકારીઓની આંખો ચચરી ઉઠી હતી. હવે આ કેમીકલનો શું ઉપયોગ કરવામાં આવતો હતો, સહિતના અનેક સવાલોના જવાબ આવનાર સમયમાં સામે આવશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-06-at-3.40.40-PM-1024x576.jpeg)