Published by : Vanshika Gor
- જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા ભરૂચની આગવી ઓળખ સમાન સુજની સાથે સંકળાયેલા કારીગરોની મુલાકાત
- પ્રોજેક્ટ રોશની અંતર્ગત નવી પેઢીના યુવાનોને સુજની વણવાની તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવા નવીન પહેલ
- અંગ્રેજોના શાસનકાળથી જગવિખ્યાત ભરૂચની સુજની આઝાદી બાદ તેનું અસ્તિત્ત્વ ગુમાવી રહી હતી
- 200 ઉપરાંત વર્ષની આ કળામાં ભરૂચમાં હવે બે જ પરિવારો કાર્યરત
અંગ્રેજોના શાસનકાળથી જગવિખ્યાત ભરૂચની સુજની હસ્તકલાને ભરૂચના રૂપિયા 65.50 કરોડના બનતા BULLET TRAIN સ્ટેશનની ડિઝાઇનમાં પણ સ્થાન અપાયું છે. જોકે આઝાદીનો અમૃતકાળ આવતા આવતા આ જટિલ અને હસ્તકલાના બેનમૂન નમૂના સમાન સુજની કળા અસ્તિત્વનો જંગ લડી રહી છે. હવે માત્ર ભરૂચના બુલેટ સ્ટેશન પર જ નહીં પણ તેને યુવા પેઢીમાં પણ જીવંત રાખવા જિલ્લા વહીવટી તંત્રે પ્રોજકેટ રોશની હેઠળ પ્રયાસો શરૂ કર્યા છે.
ભરૂચની આગવી ઓળખ સમાન વિશ્વ વિખ્યાત સુજનીની કળા સાથે સંકળાયેલા પરિવારોની જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા સૌ પ્રથમ મૃત:પ્રાય થવાના આરે આવેલ આ વણાટકામની અનોખી કલાને પુન:ર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેકટ રોશની હેઠળ અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયાસો અને તેના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રોજેકટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સુજની વણવાની તાલીમ આપી તેમના માટે રોજગારીની નવીન તકો આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમ કેન્દ્ર રેવા સુજની કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની સમિક્ષા કરી હતી.સુજની વણાટકામ સાથે સંકળાયેલા તમામ કારીગર પરિવારના સભ્યો સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના આ ક્ષેત્રમાં વર્તમાન સમસ્યાઓ અને કલાને પુન:ર્જીવિત કરવા માટે તેમના પોતાના અભિપ્રાયો જાણ્યા અને તેના સમાધાન સ્વરૂપે પ્રોજેકટ રોશનીમાં તેના ઉપાયો અને મદદની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
વધુમાં કલેકટરશ્રીએ આ કામ સાથે સંકળાયેલ હયાત સુજની વણાટકામ કરતાં માલીવાડ ખાતે રહેતા રફીક સુજનીવાલા અને ફાટા તળાવ પાસે રહેતા મુઝક્કીર સુજનીવાલાની ઘરે હાથશાળની રૂબરૂ મુલાકાત લઈ આ વણાટકામની બારીકાઈ અને ખાસિયતોની જાણકારી લીધી અને સ્વયં હાથશાળ બેસી સુજની પર હાથ અજમાવી અનુભવ કર્યો.

ભરૂચની આ અસ્મિતા સ્વરૂપ 150 થી 200 વર્ષ જૂની કલાને બચાવવા સુજનીવાલા પરિવાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની કલેકટરએ પ્રશંસા કરીને ભરૂચની સુજનીને વૈશ્વિક ફલક પર પહોચાડવા પૂર્ણ સહયોગની ખાત્રી આપવામાં આવી. મુલાકાત દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર જિગર દવે, કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય મહાત્મા ગાંધી નેશનલ ફેલો નિરવકુમાર સંચાણીયા,સામાજિક અગ્રણીઓ જેવા કે, રિઝવાના જમીનદાર, પીલુ જીનવાલા, અર્ચના પટેલ, પુનમ શેઠ, રીટા દવે અને સુજની વણાટકામ તથા સુજની વણાટકામ સાથે સંકળાયેલ અન્ય મહાનુભાવો સાથે રહ્યા હતા.

પ્રોજેક્ટ રોશની” અંર્તગત ભરૂચની અસ્મિતા સમાન સુજનીને પુન:ર્જીવિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ છે. સુજની બનવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કારીગરોને માળખાકિય સુવિધા પૂરી પાડીને તેમના જીવન ધોરણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો આશય છે. યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપીને તેમને આર્થીક રીતે પગભર કરાશે. સુજનીના વ્યવસાય સાથે સંકળાયેલ પાયાની સમસ્યાઓને ઓળખીને તેને દુર કરાશે. સુજની બનાવાથી લઈને વેચવાની પ્રક્રીયા સાથે સંકળાયેલ પરિબળોમાં સહાય કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયત્ન.
