Published by : Anu Shukla
- સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જોશીમઠની અરજી અંગે કોર્ટે આજે સુનાવણી હાથ ધરી અરજદારને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જવા જણાવ્યું.
- સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું આ મામલે હાઈકોર્ટ સુનાવણી કરી રહ્યું છે, ત્યારે પ્રથમ સિદ્ધાંત મુજબ હાઈકોર્ટને સુનાવણી કરવા દેવી જોઈએ.
જોશીમઠમાં ધસી રહેલી જમીન અને મકાનો મુદ્દે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મામલે ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે. જોશીમઠ મુદ્દે CJI ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ પી.એ.નરસિમ્હા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેંચે સુનાવણી કરતા આ મુજબ જણાવ્યું હતું. જોશીમઠ મુદ્દે જ્યોતિષ્પીઠના જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જોકે આ અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે હાઈકોર્ટ સુનાવણી કરી રહ્યું છે, ત્યારે પ્રથમ સિદ્ધાંત મુજબ હાઈકોર્ટને સુનાવણી કરવા દેવી જોઈએ.
સુપ્રીમે અરજદારને કહ્યું …તમે ત્યાં જઈને પોતાની વાત રજુ કેમ કરતા નથી
સીજેઆઈએ અરજદારને કહ્યું કે, જ્યારે હાઈકોર્ટ સુનાવણી કરી રહી છે તો તમે ત્યાં જઈને પોતાની વાત રજુ કેમ કરતા નથી. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં અસરગ્રસ્ત લોકોના પુનર્વસન તેમજ તેમને આર્થિક મદદ પુરી પાડવાનો આદેશ આપવાનો આગ્રહ કરાયો છે. અરજદારની અરજીમાં જોશીમઠ વિસ્તારના લોકોની જાન-માલની સલામતી સુનિશ્ચિત કરવા, ભૂસ્ખલન, જમીન ફાટવા જેવી ઘટનાઓનો સામનો કરવા અને આ ઘટનાને રાષ્ટ્રીય આપત્તિની શ્રેણીમાં જાહેર કરી ઝડપી અને અસરકારક પગલા ઉઠાવવાનો કેન્દ્ર અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને આદેશ કરવા વિનંતી કરાઈ છે.
જોશીમઠમાં ચાલતા ટનલ સહિતના બાંધકામ બંધ કરો
અરજીમાં માંગ કરાઈ છે કે, સુપ્રીમ કોર્ટ સરકારને આદેશ આપી તપોવન વિષ્ણુગઢ હાઈડ્રોઈલેક્ટ્રિક તેમજ પ્રોજેક્ટ હેઠળનું ટનલનું બાંધકામ તાત્કાલિક બંધ કરે. આ કામગીરી ત્યાં સુધી બંધ રાખવી જોઈએ, જ્યાં સુધી સુપ્રીમ દ્વારા ભૂસ્તરશાસ્ત્રીઓ, જળ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં ન આવે અને આ સમિતિ ઉત્તરાખંડ રાજ્યમાં કોઈપણ પ્રકારના વિકાસ અને બાંધકામ કાર્ય માટે માર્ગદર્શિકા તૈયાર ન કરે. અરજીમાં કહેવાયું છે કે, NTPC અને બોર્ડર રોડ સંગઠનને પણ રાહત કાર્યમાં મદદ કરવાનો આદેશ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કેન્દ્ર સરકાર, NDMA, ઉત્તરાખંડ સરકાર, NTPC, BRO અને જોશીમઠના ચમોલીના જિલ્લા મેજીસ્ટ્રેટને પક્ષકાર બનાવાયા છે.