Published By : Patel Shital
- 14 ને ઇજા, 4 ગંભીર
- બ્રેક ડાઉન થયેલી ટ્રકમાં પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર્સ ઘુસી ગઈ
- ડ્રાઈવરને રેસ્ક્યુ કરી બહાર કઢાયો, ગંભીર રીતે ઘવાયેલી 2 મહિલા સહિત 3 ને વડોદરા ખસેડાયા
સુરતના અડાજણથી દેસાઈ પરિવારના 13 સભ્યો ટેમ્પો ટ્રાવેલર્સમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવી રહ્યાં હતાં. કરજણ બ્રિજ નજીક બ્રેક ડાઉન થયેલી ટ્રકમાં ટ્રાવેલર્સ ઘુસી જતા ડ્રાઈવર સહિત 14 લોકોને ઇજા પહોંચી હતી.
સુરતના અડાજણના રહેવાસી જયેશ રામુ દેસાઈ, પારુલ જયેશ દેસાઈ, હેલી સમીર દેસાઈ, મેહુલ દેસાઈ, કેતન ઇન્દ્રવદન દેસાઈ, કુમાર ઇન્દ્રવદન દેસાઈ, ડો.સમીર દેસાઈ, મીરાંબહેન સમીર દેસાઈ, પ્રીતિ કુમાર દેસાઈ, ઉષાબેન ઇન્દ્રવદન દેસાઈ રવિવારે સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા નીકળ્યા હતા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/STATUE-OF-UNITY-8-968x1024.jpeg)
ટેમ્પો ટ્રાવેલર્સ કરી દેસાઈ પરિવારના 13 સભ્યો ડ્રાઈવર સાથે નીકળ્યા હતા. રાજપીપળા નજીક આવેલા કરજણ પુલ પાસે બ્રેક ડાઉન થયેલ ટ્રક પાછળ ટેમ્પો ટ્રાવેલર્સ ધડાકાભેર ઘુસી ગઈ હતી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/STATUE-OF-UNITY-4-1.png)
ટ્રાવેલર્સનો આગળનો ભાગ ખુરડો બોલી જતા ડ્રાઈવર ફસાઈ ગયો હતો. જ્યારે દેસાઈ પરિવારની 2 મહિલા સહિત 3 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. નજીકથી પસાર થતા એક વ્યક્તિએ ફોન કરી તેના ભાઈને બોલાવી મદદની કામગીરી હાથ ધરી હતી.
રાજપીપળાના વિપુલ માછી અને ભુપેન્દ્ર કહારે રેસ્ક્યુ હાથ ધરી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. પોલીસ અને 108 ને જાણ કરાતા ઇજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મીરાબેન, અશ્વિનભાઈ અને ઉત્સવિબેન દેસાઈને વધુ ઇજા પહોંચી હોય વડોદરા SSG માં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.