Published by : Vanshika Gor
સુરતમાં ઉધનામાં આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક લક્ષ્મીનારાયણ BRTS બસ સ્ટોપમા આગ લાગી છે. BRTS બસ સ્ટોપના કેબિનમાં આગ લાગતા નાસભાગ મચી છે. માન દરવાજા અને ભેસ્તાનના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો થઇ રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી.
ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર બસ સ્ટોપ તેની ચપેટમાં આવી ગયુ હતુ. આગ એટલી ભીષણ હતી કે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર
લક્ષ્મીનારાયણ BRTS બસ સ્ટોપમાં જ્યારે શરુઆતમાં આગ લાગી હતી ત્યારે જ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને આગે ભીષણ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. જે પછી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરુ કરી દીધો હતો. માન દરવાજા અને ભેસ્તાનના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આગ લાગવાનું કારણ અકબંધ
જો કે આગ કયા કારણોસર લાગી હતી તેની જાણ હજુ સુધી થઇ નથી. તો આગની ઘટનામાં કોઇ જાનહાનીના પણ સમાચાર નથી. જો કે આગ લાગવાની ઘટનાના કારણે BRTS બસ સ્ટોપને નુકસાન પહોંચ્યુ છે. તો બીજી તરફ મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.