સુરતના મહિધરપુરા વિસ્તારમાં ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ થવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
સુરત શહેરમાં ફરી એકવાર માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ રુવાલા ટેકરા પાસે પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર વસવાટ કરે છે. પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને ત્રણ વર્ષની બાળકી છે. ગતરોજ બાળકીનું અપહરણ થઇ ગયું હતું. આ અંગે બાળકીની માતાએ દરરોજ બાળકીને રમાડવા આવતી મહિલાએ જ તેનું અપહરણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. બાળકીની માતાએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી બાળકીને લઇ જતી સ્પષ્ટપણે નજરે પડી રહી છે. મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અપહરણ કરનાર મહિલાને શોધવાની તાજવીજ હાથ ધરી છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)