- પ્રેશર વધી જતા બોઇલર ફાટ્યું હોવાનું પ્રાથમિક અનુમાન
- ગંભીર રીતે ઘવાયેલા કેટલાકને નવી સિવિલમાં ખસેડાયા
સુરતના સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમા રસાયણ ફેક્ટરીમાં શનિવારે મોડી રાત્રે બોઇલર ફાટયુ હતું.આ ધમાકો એટલો ભયાનક હતો કે ૧૦ કિલોમીટર સુધી આગની જવાળાઓ દેખાઈ હતી. ઘટનામાં 1 કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે ૫ વ્યકિતઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રિના સમયે સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમા કોકોકોલા રસાયણ ફેક્ટરીમાં અચાનક જ બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. બલાસ્ટને પગલે આગ લાગી ગઈ હતી. કંપની અને આજુબાજુના વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. કેટલાક કર્મચારીઓ આગથી બચવા માટે કંપનીની અંદર સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા પરંતુ તેઓ કંપનીથી બહાર નીકળી શકે એમ ન હતા. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ પર કાબૂ લેવાનાં પ્રયાસો હાથ ધરાયા હતા અને સાથે સાથે ફસાયેલાઓને રેસક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-11-at-8.30.52-AM-2-1024x574.jpeg)
ઘવાયેલાઓને તરત જ 108 એમ્બ્યુલન્સની મદદ વડે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ કંપનીમાં ફસાયેલા 10 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવી લીધા હતા અને સહી સલામત બહાર કાઢ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે ૨૫થી વધુ ફાયર ટેન્ડરની મદદથી ૩થી ૪ કલાક સુધી જહેમત ઉઠાવી હતી.