Published By : Disha PJB
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ મુમતાઝ બિલ્ડીંગની ગેલેરી માંથી નીચે પડતા બે બાળકોને ઈજા પોહચી છે. 2 માળના ટેરેસનો એક તરફનો ભાગ એકાએક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે ત્યારે જ ગેલેરીમાં ઉભા બે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ ભેસ્તાન ફાયર વિભાગનો કાફલાએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ સચિન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
આ બાબતે સ્થાનિક વ્યક્તિ અનિલે જણાવ્યું કે, મુમતાઝ બિલ્ડિંગમાં એકાએક જ બીજા માળનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જેનો કાટમાળ નીચેના ગેલેરી ઉપર પડતાં તે પણ તૂટી ગઈ હતી. શાળામાં રજા હોવાને કારણે બાળકો બપોરના સમયે બિલ્ડીંગની નીચે રમી રહ્યા હતા તે દરમિયાન જ આ ઘટના બની હતી. એકાએક ધડાકાભેર ગેલેરી તૂટી પડતા નીચે રમતા બાળકોના માથાના ભાગને પગના ભાગે ઈજા થઈ હતી.

આ બાબતે ભેસ્તાન ફાયર વિભાગના ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું કે, અમને કોલ પડ્યો હતો કે સચિન વિસ્તારની મુમતાઝ બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ તૂટી પડતા રાજકુમાર પાંડે નામના 14 વર્ષના બાળકને માથાના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જેમાં તેને ત્રણથી ચાર જેટલા ટાંકા આવ્યા છે. અંકિત નામનો બાળક પણ ત્યાં રમી રહ્યો હતો તેના પણ પગના ભાગે ઈજા થઈ હતી તેની પણ સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરને બોલાવવામાં આવ્યા હતા તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.