Published By : Disha PJB
સુરતમાં આગની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યારે ફરીથી આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાતે સાડી અને કુર્તા બનાવવાનાં કારખાનામાં આગ લાગી હતી.જેમાં 4 જેટલાં વ્યક્તિઓનું ફાયર વિભાગ દ્વારા રેશક્યું કરવામાં આવ્યું હતું.જોકે આ આગમાં સંપૂર્ણપણે મશીનો સાડીઓ અને અન્ય સામનો બળીને ખાખ થઇ ગયા હતા.
શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 2 ઉપર આવેલ ડી એલ ગારમેન્ટ્સના બીજા માળે અચાનક જ આગ લાગતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પોહચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ બાબતે ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું કે, અમને રાતે 2:51 ફાયર કંટ્રોલ રૂમમાંથી કોલ આપવામાં આવ્યો કે, ઉધના વિસ્તારમાં આવેલ નંબર બે ઉપર પ્લોટ નંબર 39 જ્યાં ડી એલ ગારમેન્ટ્સનું શોરૂમ છે. ત્યાં સાડી અને કુર્તા બનાવનાવાની ફેક્ટરી છે. જ્યાં મશીનમાં આગ લાગી છે. અમે અમારી માનદરવાજા ફાયર વિભાગની ટીમ લઈને ત્યાં પોહ્ચ્યા હતા. પરંતુ આગ વિકરાળ હોવાને કારણે મજુરા અને ભેસ્તાન ફાયર વિભાગની ગાડીઓ પણ બોલવામાં આવી હતી. એમ કુલ 7 જેટલી ગાડીઓ ત્યાં સ્થળ ઉપર રહી આગ ઉપર પાણીનો મારો ચલાવી આખરે બે કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આ બાબતે શોરૂમના માલિક ગીરજા સિંહે જણાવ્યું હતું કે, હાલ થોડા દિવસોમાં ઈદ આવી રહી છે જેને કારણે કુર્તાનો ઓર્ડર મળ્યો હતો અને જેને લઈને અમે છેલ્લા એક અઠવાડિયાથી નાઈટ શીફ્ટ પણ ચાલુ કરી છે. આ આગમાં માલ સામાન નું નુકસાન થયું છે. પરંતુ ફાયર વિભાગે અમારા 4 કામદારોનું રેશક્યું કરી તેમનું જીવન બચાવ્યું છે જેથી હું ફાયર વિભાગનો ખુબ ખુબ આભાર માનું છું.
ઇનપુટ: જયેન્દ્ર પાંડે , સુરત.