Published By : Disha PJB
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 62 વર્ષીય વૃદ્ધને હડકવાના લક્ષણો સાથે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું મોડી રાતે ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
62 વર્ષીય જ્ઞાનસિંહ વસાવા જેઓને ગઈકાલે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ત્રણ ચાર મહિના પહેલા શ્વાને બચકા ભર્યા હતા, હડકવાના લક્ષણો દેખાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું ગઈકાલે મોડી રાતે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. શ્વાને કરડયા બાદ પણ તેમણે કોઈ પ્રકારની સારવાર લીધી ન હતી જેના કારણે તેમને હડકવા થઈ ગયો હતો.
આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ગઈકાલે સવારે જ્ઞાનસિંહ વસાવા નામના 62 વર્ષીય વૃદ્ધને દાખલ કર્યા હતા. તેમનામાં હડકવાના લક્ષણો હતા. તેઓ પાણી થી ગભરાતા પણ હતા. તેમને ચાર મહિના પહેલા ડોગ બાઈટ કરી ગયું હતું. ત્યારબાદ તેમને કોઈ પ્રકારની રસી લીધી નઈ હતી. અને એક વખત હડકવા થઈ ગયા બાદ વ્યક્તિ બચી શકે તેમ હોતો નથી. દુનિયામાં એનો કોઈ જ ઈલાજ નથી. જેથી ગઈકાલે તેમનું મોડી રાતે દુઃખદ આવસાન થયું છે.
RMO એ વધુમાં જણાવ્યું કે, આ પ્રકારના લક્ષણો ધરાવતા લોકો ખાસ કરીને પાણીથી ભાગે છે અને લોકોને કરડવા માટે પણ ભાગે છે. અને જો કોઈને ડોગ બાઈટ થાય તો તેના માટે હોસ્પિટલમાં 24 કલાક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેનું બે સિફિટમાં કામ થાય છે. જેથી રાતે પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે