Published By : Disha PJB
સુરતના વરાછા વિસ્તારમાં અજાણ્યા યુવકે સ્કૂલ બસ આગળ પડતું મૂકી આપઘાત કર્ર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. હાલ આ મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વરાછામાં આવેલ બોમ્બે માર્કેટ પાસે ઈશ્વર કૃપા સોસાયટીના ગેટ થી એક અજાણ્યો યુવક ચાલતો આવે છે. અને ત્યારે જ ત્યાંથી પસાર થતી સ્કૂલ બસ આગળ આવીને કોઈ કારણોસર પડતું મૂકીને આપઘાત કરી લે છે. આ જોતા સ્થાનિકો ગભરાઈ પોલીસને જાણ કરે છે. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસનો કાફલો ત્યાં પોહચી આગળની કાર્યવાહી શરૂ કરે છે. પોલીસે ઘટના સ્થળ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી ચેક કરતા પોલીસ પણ ચોકી જાય છે કે, આ યુવકે તો બસ આગળ પડતું મૂકી આપઘાત કર્યો છે.
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બ્લેક ટીશર્ટ પહેરેલો એક યુવક રોંગસાઈડમાં ચાલો ચાલતો આવી રહ્યો હોય અને તે સમય દરમિયાન જ ત્યાંથી પસાર થતી સ્કૂલ બસની આગળ આવીને પડતું મૂકી આપઘાત કરી લે છે. આ જોતા જ ત્યાં બેઠા એક વૃદ્ધ ચોકી છે. અને તેની સાથે સ્થાનિકો પણ એકઠા થઇ જાય છે.
વરછા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના ગઈકાલે બપોરે દોઢ વાગ્યાંની આસપાસ બની હતી. આપઘાત કરનાર યુવક પાસેથી કોઈપણ પ્રકારના ઓળખ પુરાવા મળી આવ્યા નથી. તે ઉપરાંત આ યુવક ક્યાંથી આવતો હતો ક્યાં રહે છે. તે માટે પોલીસે અન્ય આસપાસના લોકો અને સીસીટીવીના આધારે યુવકના સગા સંબંધીઓની શોધખોળ હાથ ધરી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.