Published By : Disha PJB
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલ ખોલવડ ગામના અમૃત ઉદ્યોગનગરમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત થવાની ઘટના સામે આવી છે. કારખાનામાં કામ કરતા 27 વર્ષીય ભગવાનસિંહ સાહબસિંહ રાજપૂત અને 28 વર્ષીય સતીષકુમાર મલીખાનસિંહ રાજપૂત નામના બે કારીગર કામ કરતા હતા.
આ બંને કારખાનામાં બીજા માળે એમ્બ્રોડરીના મશીન ઉપર કામ કરતા હતાં તે સમયે મશીનમાં કાપડ ફેરવતી વખતે એમ્બ્રોઇડરીનું મશીન 30 ફૂટની લંબાઈનુ હોય જે મશીનની ફેરબદલી કરવાની હતી. ત્યારે ઉતાવળે ભગવાનસિંહ અને સતીષકુમારે મશીનનો એક છેડો બારીની બહાર કાઢતા જે બારીની બહાર વીજ પુરવઠાની હાઈટેન્શનની લાઈન પસાર થતી હતી તેને અડી ગયો હતો. જેથી બન્ને કારીગરોને જોરદાર કરંટ લાગતા બંનેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
આ બાબતે તેજ એમ્બ્રોડરીના મશીન ઉપર કામ કરતા અન્ય એક કારીગર ચંદ્રપ્રકાશએ જણાવ્યું હતું કે, અમે બધા એક ગામના છીએ અમે મૂળ ઉત્તર પ્રદેશના ગુંડા જિલ્લાના છીએ. ગઈકાલે બપોરના સમય દરમિયાન અહીં કામ ચાલી રહ્યું હતું ત્યારે હું તો નીજે હતો પરંતુ અચાનક જ બુમાબુમ થતા હું દોડીને ઉપર આવ્યો હતો ત્યારે મારાં સાથી મિત્ર ભગવાનસિંહ અને સતીષકુમાર અલગ-અલગ જગ્યાએ પડેલા જોવા મળ્યા હતા ત્યારે મને જાણવા મળ્યું કે, બંને જણાને એક સાથે જ કરંટ લાગ્યો છે અને તેઓ નીચે જમીન ઉપર પડી ગયા છે. જેથી અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
એમ્બ્યુલન્સ મારફતે સંજીવની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. અને હોસ્પિટલ દ્વારા જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેના ફૂટેજ મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે