Published By : Disha PJB
સુરત શહેરમાં દિવસે દિવસે લૂંટ અને મહિલાઓના ગળામાંથી સોનાના હારની લુટ જેવી ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. તેવામાં આજરોજ ફરી પાછી શહેરના પોસ વિસ્તારમાં આવેલ VR મોલની બહાર કલેક્શનનું કામ કરતા યુવક સાથે લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે.બાઈક ઉપર આવેલા બે લૂંટારો યુવક પર હુમલો કરી તેની પાસે કલેક્શનની જમા રકમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવકે પ્રતિકાર કરી મોલ તરફ નાસી જતા બંને લૂંટારૂં ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ઉમરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચનો કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ બપોરના સમયે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ફરિયાદી યુવક વીઆર મોલમાં કોઈ વેપારી પાસે કલેક્શનના રૂપિયા લેવા ગયો હતો, ત્યારબાદ રૂપિયા લઇ પરત મોલની બહાર આવ્યો ત્યારે મોલના પાછળના રોડ ખાતે યુવકને બે અજાણ્યા શખ્સ દ્વારા આંતરીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મોઢે રૂમાલ બાંધી બે યુવકો દ્વારા કલેક્શન કરતાં બોય પાસે રહેલા રૂપિયા લૂંટવાની કોશિશ કરી હતી. ત્યારબાદ બંને લૂંટારૂઓએ યુવકને ધમકી આપી તીક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસે રહેલ રૂપિયાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકે રૂપિયા ન આપતા હથોડા વડે તેના માથામાં હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી. જોકે તેમ છતાં યુવક બંને લૂંટારોનો પ્રતિકાર કરીને ત્યાંથી ભાગીને મોલ તરફ ઘૂસી ગયો હતો. જેને લઇ લૂંટારાઓ પકડાઈ જવાના ભયથી નાસી છૂટ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવક સાથે લૂંટનો પ્રયાસ થયો છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આગળની તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત નજીકના તમામ સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.