Published By : Disha PJB
સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે બે અબોલ ગાયોને કરંટ લગતા મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 25 માં આવતા ભરવાડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના એસ એચ એલ 46 નંબરના પોલમા વાયર લીકેજ થતા બે અબોલ ગાયનું મોત નિપજ્યું છે.જોકે આ સ્ટ્રીટ લાઇટને લઈને સ્થાનીકો દ્વારા વારંવાર કમ્પ્લેઇન કર્યા છતાં કોઈ કાર્યવાહી કરી નથી. જોકે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટનાને પાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી લેવી જોઈએ. પશુઓની માફક ત્યાંથી પસાર થતા લોકોના જીવનો પણ જોખમ ઉભું થઈ શકે છે.
આ બાબતે સ્થાનિક મેહુલભાઈ રબારીએ જણાવ્યું કે, ઘટના આજે સવારે બની હતી. ચાર ગાયો અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે જ સ્ટ્રીટ લાઈટના પોલમા વાયર લીકેજ થતા બે અબોલ ગાયોને કરંટ લગતા મોત થયું છે.અને તેમની પાછળ ચાલતા વ્યક્તિ અને બીજા બે ગાયોના જીવ બચી ગયા છે. આ સ્ટ્રીટ લાઇટની વારંવાર કમ્પ્લેન કર્યા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. જો કોઈ વ્યક્તિ હોતે તો શું થયું હોત.

એમ તો સુરત મહાનગરપાલિકા રખડતા ઢોરો માટે ઘણા કાયદાઓ બનાવી રહ્યા છે. રસ્તે દેખાઈ એટલે તેઓ ઉંચકીને લઇ જાય છે. અને તેઓને છોડાવા માટે મનફાવે તેમ દંડ પણ લે છે. અને હવે જયારે આ ઘટના બની છે ત્યારે કોઈ કશું કરતું નથી. મને ખ્યાલ છે કે, તેઓ એમ જ જણાવશે કે, અમે આ મામલે તપાસ કરીશું પણ એ તપાસનો અંત કોઈ દિવસ આવતો નથી. બે ગાયે જીવ સુરત મહાનગરપાલિકાના કારણે ગુમાવ્યા છે. પશુપાલક ખૂબ જ ગરીબ હોવાથી તેને આર્થિક રીતે કોર્પોરેશન દ્વારા મદદ આપવી જરૂરી છે. ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટના બને તો અહીં રમતા બાળકોનો તેમજ અન્ય અહીંથી પસાર થતા લોકોનો પણ જીવ જોખમમાં મુકાઇ શકે છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.