- ટીમ દ્વારા શ્વાનને પકડવાનું ઓપરેશન પર પાડ્યું
સુરતના વફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા નાની બાળકીને બચકું ભરવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘટનાને પગલે તાત્કાલિક શ્વાનને પકડવા માટેનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
રાજ્યમાં રખડતા ઢોર લોકોને અવારનવાર નુકશાન પહોંચાડતા હોવાની ઘટનાઓ બને છે. ત્યારે હવે સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સુરતના વફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં હંસ સોસાયટીમાં નાની બાળકીને શ્વાને ગાલ પર બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકી ઘરની બહાર રમવા નીકળી હતી તેવામાં સ્ટ્રીટ ડોગે તેના પર હુમલો કર્યો હતો અને બાળકીને દબોચી લીધી હતી.. નાની બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. તાત્કાલિક શ્વાનને પકડવા મનપાના અધિકારીને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓની ટીમ દ્વારા શ્વાનને પકડી પાડવા માટેનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અને શ્વાનને પકડી પાડ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્વાન દ્વારા નાની બાળકીને કરડવાની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)