Published By : Disha PJB
સુરતના સચિન જીઆઇડીસીમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર મજૂર દબાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર વિભાગે પહેલા એક યુવકને બહાર કાઢ્યો હતો. જેનું નવી સિવિલ હોસ્પિટલ લઇ જતા જ મોત થયું હતું.

જ્યારે અન્ય બેને સામાન્ય ઇજા થઇ હોવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. જયારે એક ગંભીર ઈજાગ્રસ્ત અને દબાયેલા યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું. તેને પણ ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

સુરત ફાયર કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે 10:37 વાગે આ મામલે જાણ કરતા મજુરા, ભેસ્તાન, માનદરવાજા, ડિંડોલી, એમ કુલ 8 જેટલી ગાડીઓ ત્યાં પોહચી હતી. ત્યાં એક બાદ એક મજૂરોનો બહાર કાઢવામાં આવ્યા હતા તેમાં પેહલા મજુરનું મોત થઇ ગયું હતું જેનું નામ ભરતભાઈ વેલજીભાઈ બારીયા જેઓ 40 વર્ષના હતા.

તેઓ સચીન જીઆઇડીસી ખાતે આવેલ ખેતેશ્વર હોટલની બાજુમાં રહેતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરી અને એક છોકરો છે. તેઓ મૂળ દેવગઢ બારીયા ના રહેવાસી છે. તેઓની બોડીને હાલ નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી છે અને અન્ય ત્રણ લોકોને ખાનગી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હાલ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. અને તમામ ગાડીઓ એક બાદ એક પરત થઇ રહી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.




